દાહોદ તાલુકાના નસીરપુર ગામે કબ્રસ્તાનમાંથી નાની ખરજના ૨૪ વર્ષીય યુવાનની લાશ મળી આવતા પંથકમાં ચકચાર

દાહોદ તાલુકાના નસીરપુર ગામે નગરાળા રોડ પર આવેલ કબ્રસ્તાનમાંથી ગળા, છાતી તથા પેટના ભાગે કોઈ હથિયાર વડે ઘા મારેલ હાલતમાં દાહોદ તાલુકાના નસીરપુર ગામના ૨૪ વર્ષીય યુવાન ની લાશ મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રામ વિગત અનુસાર ગત તારીખ ૨-૪-૨૦૨૫ ની રાતે દસ વાગ્યાથી બીજે દિવસે મોડી સાંજના સાત વાગ્યા સુધીના સમયગાળામાં દાહોદ તાલુકાના નાની ખરજ ગામના સિંગારી ફળિયામાં રહેતા ૨૪ વર્ષીય અરવિંદભાઈ બચુભાઈ ભુરીયાને દાહોદ તાલુકાના નસીરપુર ગામે નગરાળા રોડ પર આવેલ કબ્રસ્તાનમાં કોઈ અજાણ્યા ઈસમ કોઈ કારણસર ગળાના ભાગે, છાતીના ભાગે તથા પેટના ભાગે કોઈ હથિયાર વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી નાસી જતા, મરણ જનાર અરવિંદભાઈ ભુરીયાની લાશ નસીરપુર ગામે કબ્રસ્તાનમાંથી મળી આવતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ સંબંધે મરણ જનાર અરવિંદભાઈ ભુરીયાના પિતા નાની ખરજ ગામના સિંગારી ફળિયામાં રહેતા બચુભાઈ રમસુભાઈ ભુરીયાએ દાહોદ તાલુકો પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ નોંધાવતા દાહોદ તાલુકા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરણ જનાર અરવિંદભાઈ ભુરીયા ની હત્યા કયા કારણસર કરવામાં આવી? હત્યા કોણે કરી? હત્યા નસીરપુર ગામના કબ્રસ્તાનમાં જ કરવામાં આવી કે પછી કોઈ અન્ય જગ્યાએ કરી તેની લાશ કબ્રસ્તાનમાં ફેંકી દેવામાં આવી? તે તમામ સવાલોના ઉત્તર મેળવવામાં પોલીસ જેતરાઈ છે.