શહેરા નગરમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. નગરપાલિકા તેમજ તાલુકાની જીલ્લા અને તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે સૌની નજર આજે યોજાનારી મતગણતરી પર ટકેલી છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
શહેરા નગરપાલિકા વિસ્તારમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ ૧૮ મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી, જેના પરિણામે ૭૪.૬૮% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ રહ્યો હતો. જીલ્લા પંચાયતની ૩ બેઠકો પર ૬૩.૭૪% અને તાલુકા પંચાયતની ૧૪ બેઠકો પર ૫૯.૭૬% મતદાન નોંધાયું હતું. એકંદરે સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ મંગળવારના રોજ આજે યોજાનારી મતગણતરી માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બે અલગ-અલગ સ્થળોએ ગણતરી હાથ ધરવામાં આવનાર છે. સવારે નવ કલાકથી તાલુકા સેવા સદન ખાતે નગરપાલિકાની ૧૧ બેઠકોના મતોની ગણતરી કરવામાં આવશે જ્યારે મોર્ડલ સ્કૂલ કાંકરીમાં જીલ્લા પંચાયતની ૩ અને તાલુકા પંચાયતની ૧૪ બેઠકોની મતગણતરી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પટેલે મત ગણતરી કેન્દ્રોની બ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગણતરીના સ્થળે ટેબલ વ્યવસ્થા, ગણતરી કરનાર સ્ટાફની તાલીમ, અને પરિણામોના લાઈવ અપડેટ્સ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ કોઈ પણ કચાશ રાખવામાં આવી નથી, જોકે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનોને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સીલ કરીને સ્ટ્રોંગ મમાં ખસેડવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ મની બહાર હથિયારધારી પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતુ.ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક અપક્ષ ઉમેદવારોએ પણ આક્રમક પ્રચાર કરીને ત્રિપાંખિયા જંગની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને નગરપાલિકાના વોર્ડમાં થયેલું ઊંચું મતદાન કયા પક્ષના સમીકરણો સુધારે છે કે બગાડે છે, તે જોવું રસપ્રદ રહેશે. ઉમેદવારો અને તેમના ટેકેદારો અત્યારે જીત-હારના ગુણાકારમાં વ્યસ્ત છે. મંગળવારના રોજ સવારે નવ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર સુધીમાં શહેરાના સ્થાનિક સ્વરાજ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જનતાએ કોને શિરોપાવ આપ્યો છે અને કોને નકાર્યા છે, તેનો ફેંસલો આજે જાહેર થનાર હોવા સાથે મત ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળે તો નવાઈ નહી.
શહેરાની જનતાએ આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન માટે મક્કમ નિર્ધાર કર્યો હોય તેમ જણાય છે. નગરપાલિકા: ૧૮ મતદાન મથકો પર ૭૪.૬૮% જેટલું ભારે મતદાન એ રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન છે. જીલ્લા પંચાયત: ૩ બેઠકો પર ૬૩.૭૪% મતદાન નોંધાયું. તાલુકા પંચાયત: ૧૪ બેઠકો પર ૫૯.૭૬% મતદાન સાથે ગ્રામ્ય જનતાએ પોતાનો મત આપ્યો છે.
તંત્ર સજ્જ છે: ધર્મેન્દ્ર પટેલ… મદદનીશ ચૂંટણી અધિકારી …..
મદદનીશ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પટેલે મતગણતરી સ્થળની મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પારદર્શક રીતે પ્રક્રિયા હાથ ધરાશે.