શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચારના છેલ્લા પખવાડિયાથી સતત જનસંપર્ક અને રેલીઓમાં વ્યસ્ત રહેલા ઉમેદવારો થોડા નિરાંતના મૂડમાં જોવા મળ્યા હતા. કેટલાક ઉમેદવારોએ ઘરે રહીને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો અને ચૂંટણીનો થાક ઉતાર્યો હતો. જોકે, તેમના સમર્થકો અને એજન્ટો હજુ પણ સક્રિય છે. દરેક બૂથના અંદાજીત આંકડાઓ મેળવીને પોતાના ઉમેદવાર કેટલી લીડથી જીતશે તેના દાવાઓ સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા હતા.
શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ૨૮ બેઠકો પરના ઉમેદવારો અને તેમના કળ સમર્થકો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. નગર અને તાલુકાના વિવિધ ગામોમાં મોડી રાત સુધી હાર-જીતના સમીકરણો ચર્ચાયા હતા. કયા કેટલું મતદાન થયું, કયા જ્ઞાતિ-સમીકરણો કોની તરફેણમાં ગયા અને કયા બુથ પરથી કોને લીડ મળશે તે બાબતે ગણિત માંડવામાં આવી રહ્યા છે. સમર્થકોમાં એવો આત્મવિશ્ર્વાસ જોવા મળી રહ્યો છે કે, તેમના ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા બનશે,જ્યારે છેલ્લા કેટલાય દિવસોથી સતત પ્રચાર, ડોર-ટુ-ડોર કેમ્પેઈન અને રાત-દિવસની દોડધામ બાદ સોમવારના રોજ અનેક ઉમેદવારો ’રિલેક્સ’ મૂડમાં જોવા મળ્યા હતા. લાંબા સમયની માનસિક અને શારીરિક મહેનત બાદ અમુક ઉમેદવારોએ આરામ કરવાનું પસંદ કર્યું હતું. જોકે, આરામની ક્ષણોમાં પણ તેમના ફોન સતત રણકી રહ્યા હતા અને કાર્યકરો પાસેથી પળેપળની વિગતો મેળવવામાં આવી રહી હતી.મતદાનના આંકડાઓ જાહેર થયા બાદ હવે હરીફ પક્ષો વચ્ચે રસાકસી તેજ બની છે. શહેરાની જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે તે તો હવે મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી ઉમેદવારો માટે ’વેઇટ એન્ડ વોચ’ની સ્થિતિ છે, પરંતુ નગર અને ગામડાઓના રાજકારણમાં અત્યારે માત્ર અને માત્ર જીતના દાવાઓનો જ ગુંજારવ સંભળાઈ રહ્યો છે.