૨૭,૪૫૩ પુરૂષો અને ૨૩,૮૭૨ મહિલાઓએ મતદાન કર્યું

બાલાસિનોર તા.પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૧.૪૪ ટકાથી વધુ મતદાન.

-જી.પંચાયતની ત્રણ બેઠક પાંડવામાં ૬૧.૬૦, સલિયાવડીમાં ૬૩.૯૪ અને વડદલામાં ૫૮.૩૫ ટકા મતદાન થયું.

બાલાસિનોર તાલુકા પાંચાયતની ૧૮ બેઠક અને જીલ્લા પંચાયતની ૩ બેઠક પર આજે સવારથી મતદાન કરવા માટે લોકોની કતારો લાગી હતી. સાંજ સુધીમાં તાલુકા પંચાયતમાં કુલ ૬૧.૪૪ ટકા અને જીલ્લા પંચાયતની ત્રણ બેઠક ૫ર ૫૮.૩૫થી ૬૧.૬૦ ટકા સુધી મતદાન નોંધાયું છે. તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખાસ કંઇ મોટી ઘટનાઓ સામે આવી નથી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનથી ચૂંટણી તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

બાલાસિનોર તાલુકા પંચાયતમાં ૪૨,૯૭૮ પુ‚ષ અને ૪૦,૫૫૮ સ્ત્રીઓ મળીને કુલ ૮૩,૫૩૬ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી ૨૭,૪૫૩ પુ‚ષો તથા ૨૩,૮૭૨ મહિલાઓ મળીને કુલ ૫૧,૩૨૫ લોકોએ મતદાન કર્યું હતું. જેના પગલે પુ‚ષોના મતદાનની ટકાવારી ૬૩.૮૮ ટકા અને સ્ત્રીઓના મતદાનની ટકાવારી ૫૮.૮૬ ટકા રહી છે. તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન ૬૧.૪૪ ટકા નોંધાયું હોવાનું ચૂંટણી તંત્રએ જણાવ્યું છે. મતદાનના પગલે સવારથી જ તમામ મથકો પર લોકોની કતારો જોવા મળી હતી. પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોથી માંડીને વડીલો સુધીના બધાએ ઉત્સાહભેર લોકશાહીના આ પર્વને ઉજવ્યું હતું. બપોરે તડકાના કારણે મતદાન ધીમુ રહ્યું હતું. પરંતુ સાંજે ફરી વખત લોકો મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. તમામ મતદાન મથકો પર સલામતી વ્યવસ્થા માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બાલાસિનોર તાલુકામાં આવતી જીલ્લા પંચાયતની કુલ ત્રણ બેઠક પાંડવામાં ૬૧.૬૦, સલિયાવડીમાં ૬૩.૯૪ અને વડદલામાં ૫૮.૩૫ ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. હવે આગામી મંગળવારે થનારી મત ગણતરીમાં તમામ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાલુકા પંચાયતમાં કુલ ૫૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જ્યારે જીલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર ૮ ઉમેદવારો મેદાનમાં હતા.