દાહોદમાં તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ નારોજ મતગણતરી દરમ્યાનનો વ્હીકલ ઝોન જાહેર ટ્રાફિક નિયમન માટે ખાસ વ્યવસ્થા

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંતર્ગત તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને દાહોદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા માટે જીલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) તથા અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ હુકમ બહાર પાડવામાં આવ્યો છે કે, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવાના ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધીનો વિસ્તાર નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં સામાન્ય વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાને કારણે સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાઓ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રતિબંધમાંથી પોલીસ, સુરક્ષા દળોના વાહનો, એમ્બ્યુલન્સ તેમજ આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓ, ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો તથા સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓના વાહનોને પણ છૂટ આપવામાં આવશે.

આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જીલ્લા પોલીસ તંત્રને આ જાહેરનામાની કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ જ‚રી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. જીલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ વ્યવસ્થા દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.