ઝાલોદના ઈતિહાસમાં પ્રથમવાર ચર્ચમાં બંધારણના નાદ ગુંજ્યા: બાબાસાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ.
-નેશનલ ક્રિશ્ચિયન કાઉન્સિલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડો. સેમ પોલે એક હાથમાં બાઈબલ અને બીજા હાથમાં સંવિધાન રાખીને સમાનતાનો સંદેશ આપ્યો; મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજ ઉમટી પડ્યો.
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે ઝાલોદ ખાતે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. નેશનલ ક્રિશ્ચિયન કાઉન્સિલ (દ્રક્ષા) દ્વારા ઝાલોદ મુવાડા ખાતેના સ્થાનિક ચર્ચમાં બાબાસાહેબની ભવ્ય જન્મ જયંતિની ઉજવણીનું વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદની ધરતી પર અને ખાસ કરીને ચર્ચ પરિસરમાં પ્રથમ વખત આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત દ્રક્ષાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ રાઈટ રેવ. ડો. સેમ પોલે ઉપસ્થિત મેદનીને કાર્યક્રમીય જ્ઞાન આપીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. તેમણે મંચ પર એક હાથમાં પવિત્ર બાઈબલ અને બીજા હાથમાં ભારતનું સંવિધાન ધારણ કરીને સમાજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એક માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ દરેક નાગરિકની સુરક્ષાનું કવચ છે. વિશ્ર્વના ૨૩ જેટલા વિકસિત દેશો આજે ભારતના બંધારણ અને તેની લોકશાહીની પ્રશાલિને માન આપે છે અને સન્માનની નજરે જુએ છે. તેમણે ખ્રિસ્તી સમાજને અપીલ કરી હતી કે, બાઈબલના પવિત્ર આધ્યાત્મિક વિચારોની સાથે દેશના બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને ચાલવું જોઈએ. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેવ. પ્રીતિ વ્યૂહા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રેવ. ડો. રવિ બીબીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાબાસાહેબના સમરસ સમાજના સપનાને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. ઝાલોદ ચર્ચ ખાતે આયોજીત કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈ-બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખવા અને ડો. આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારવાના શપથ લીધા હતા.