
બ્રામ્પટન,
કેનેડાના બ્રામ્પટનમાં ફરી એકવાર હિંદુ મંદિરો નિશાના પર છે. ત્યાંના પ્રખ્યાત હિંદુ મંદિરની દિવાલો પર હિંદુ વિરોધી ગ્રેફિટી એટલે કે પેઇન્ટિંગ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. મંદિરો પર ગ્રેફિટીના નારા લગાવવાથી ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ગૌરી શંકર મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરતા, ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે, મંદિરને નુક્સાન પહોંચાડવાની ઘટનાથી કેનેડામાં ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
તેમણે તેમના નિવેદનમાં કહ્યું કે મંદિરમાં તોડફોડ અને સૂત્રોચ્ચારથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. અમે કેનેડાના વહીવટીતંત્રને આ બાબતે અમારી ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય ધરોહરનું પ્રતિક એવા આ મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ નફરત ભરેલી વાતો લખવામાં આવી છે.
કેનેડા પ્રશાસનનું કહેવું છે કે તેઓ હાલમાં તેની તપાસ કરી રહ્યા છે. બ્રામ્પટનમાં હિંદુ મંદિરમાં તોડફોડની કોઈ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જુલાઈ પછી આ ત્રીજી ઘટના છે, જેમાં કોઈ હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.
ગયા સપ્ટેમ્બરમાં, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીયો અને અન્ય ભારત વિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ નફરતના ગુનાઓમાં વધારો થયો છે. નવી દિલ્હીએ કેનેડાની સરકારને ઘટનાઓની યોગ્ય તપાસ કરવા વિનંતી કરી છે. કેનેડાના નેશનલ સ્ટેટિસ્ટિક્સ સેન્ટરના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે ૭૨ ટકાનો વધારો થયો છે, જેમાં ભારતીયોને તેમની જાતિ, ધર્મ અને રંગના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે. આ વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં લઈને, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડા સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો અને સંપૂર્ણ તપાસની માગ કરી હતી.