મોરવા હડફથી અમદાવાદ નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ: ધારાસભ્ય નિમિષાબેન સુથારે લીલી ઝંડી બતાવી

મોરવા હડફ તાલુકાના મુસાફરોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને એસ.ટી. નિગમ દ્વારા મોરવા હડફ થી અમદાવાદ નવી બસ સેવા શ‚ કરવામાં આવી છે.મોરા બસ સ્ટેશન ખાતેથી ધારાસભ્ય નિમિષાબેન સુથારે આ નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

મોરવા હડફ તાલુકો ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારમાં આવેલો હોવાથી અહીંના લોકોને અભ્યાસ, આરોગ્ય અને રોજગારી અર્થે વારંવાર અમદાવાદ જવું પડતું હોય છે. અત્યાર સુધી સીધી અને પૂરતી બસ સુવિધાના અભાવે મુસાફરોએ ખાનગી વાહનો અથવા તો ટુકડે-ટુકડે મુસાફરી કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી હતી. સ્થાનિક અગ્રણીઓ અને મુસાફરોની રજૂઆતોને ધ્યાને રાખીને એસ.ટી. નિગમ દ્વારા ’મોરવા હડફ થી અમદાવાદ’ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરા બસ સ્ટેશન ખાતે સરપંચ હિતેશ ભાઈ તેમજ તાલુકાના અગ્રણીઓ અને મુસાફરોની ઉપસ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથારે આ નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સીધી બસ સેવા શ‚ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો મુસાફરોને હવે રાજ્યના પાટનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સુધી પહોંચવામાં સરળતા અને આર્થિક રાહત મળશે,જ્યારે ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, “સરકાર છેવાડાના માનવીની સુખાકારી માટે કટિબદ્ધ છે. આ નવી બસ સેવા માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ આ વિસ્તારના વિકાસ માટેની નવી કડી છે. ખાસ કરીને તાલુકાના પ્રજાજનો અને વિદ્યાર્થીઓ ને હવે અમદાવાદ જવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.”નવી એસ.ટી. બસ સેવા શ‚ થતા જ મોરા બસ સ્ટેશન ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે સલામત અને સસ્તી સરકારી બસ સેવા મળવાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટો આર્થિક ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમના અધિકારીઓ, તાલુકાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.