
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ઈદ-ઉલ-ફિત્રના પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને અંત:કરણપૂર્વક ઇદની મુબારકબાદી પાઠવી હતી.
શહેરા સહિત જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ ખાતે વિશેષ નમાજ અદા કરવામા આવી હતી.નમાજ પૂર્ણ થયા બાદ ઈદગાહની બહાર મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવીને હૃદયપૂર્વક ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકોએ પણ મુસ્લિમ મિત્રોને મળીને ઈદની મુબારકબાદી પાઠવતા કોમી એકતાના દર્શન થયા હતા.ઈદના પર્વ નિમિત્તે બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા કપડાં પહેરીને બાળકો વડીલો પાસેથી ’ઈદી’ મેળવી ખુશખુશાલ જણાતા હતા. નમાજ બાદ મુસ્લિમ વિસ્તારોમાં આવેલા ઘરોમાં મહેમાનોની અવરજવર શ થઈ હતી, જ્યાં પરંપરાગત વાનગી ’શીર-ખુરમા’ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. જીલ્લાના સંવેદનશીલ અને મહત્વના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.