હોળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મજુરી અર્થે ગયેલા આદિવાસી પરિવારોનુ માદરે વતન આગમન શરૂ

ગુજરાત સહિત દેશના ગમે તે ખુણે આદિવાસી સમાજ મજુરી અર્થે ગયો હોય, તે હોળીના તહેવારમાં અચુક માદરે વતન આવે છે. આદિવાસી સમાજ આજે પણ હોળીના તહેવારને મોટામાં મોટો તહેવાર ગણે છે. આદિવાસી પરિવારો હોળીના આઠ દિવસ અગાઉ માદરે વતન આવી ભંગુરિયા, ગેર અને ચુલના મેળાઓમાં મ્હાલશે.તેમજ વર્ષ દરમિયાન લીધેલી માનતા, બાધા આખડી પુર્ણ કરશે. હોળી અને ધુળેટીના પર્વનુ આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ છે.

ગુજરાતની પુર્વપટ્ટી એવા છોટાઉદેપુર જિલ્લાની અડીને આવેલા મઘ્યપ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ, તથા ધાર જિલ્લા સહિત દાહોદના આદિવાસી પરિવારો હોળી-ધુળેટીના પર્વની ઉજવણી માટે દર વર્ષે માદરે વતન તરફ પરત ફરતા હોય છે. આ પરિવારો સોૈરાષ્ટ્ર, કચ્છ અને કાઠીયાવાડ વિસ્તારમાં મજુરી અર્થે ગયા હોય છે. હાલ રાજયના વિવિધ વિસ્તારોમાંથી છોટાઉદેપુર અને પંચમહાલ-દાહોદ તરફ આવતી એસ.ટી.બસો તેમજ ખાનગી વાહનોમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાયના લોકો મુસાફરીકરતા નજરે પડી રહ્યા છે.

હોળીના તહેવારોમાં છોટાઉદેપુર, દાહોદ તેમજ ગુજરાતને અડીને આવેલા મઘ્યપ્રદેશના વિસ્તારોમાં ગેર, ચુલના મેળાઓ યોજાતા હોય છે.જયાં પરંપરાગત વસ્ત્રો, ધરેણા પહેરી, રામઢોલ, પીહા, અને વાંસળીના તાલે નૃત્ય સાથે લોકો ઉત્સાહપુર્વક ઉજવણી કરે છે. ધણા મેળામાં લોકો પોતાની માનતાઓ પુર્ણ કરતા જોવા મળે છે. પર્વના કારણે લોકો પોતાના કામકાજ છોડીને ઉજવણીમાં જોડાય છે. આ વર્ષે પણ હોળીની ઉજવણી માટે હજારો આદિવાસી પરિવારો તેમના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. હોળી પર્વને આડે માત્ર એક સપ્તાહ બાકી છે. પરંતુ હોળીની શ‚આત તો આમલી એકાદશીથી થઈ જતી હોય છે. ત્યારે આદિવાસી પંથકમાં આમલી એકાદશીથી મેળાનો પણ પ્રારંભ થઈ જાય છે. જેમાં મહાલવા લોકો ઉમટી પડે છે.