અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને એએમસીના આંકડામાં જમીન-આકાશનો ફેર!

કોરોના હોય કે કોઈ પણ રોગચાળો તેના પર અંકૂશ મેળવવા કરતાં તેના સાચા આંકડા કઈ રીતે છુપાવવા તેમાં જ સરકારને વધુ રસ હોય તેમ ફરી પુરવાર થયું છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં મેલેરિયાના માત્ર ૧૦ જ કેસ નોંધાયાનું આરોગ્ય વિભાગે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૫માં જ અમદાવાદમાંથી સાદા મેલેરિયાના ૭૦૦થી વધુ જ્યારે ઝેરી મેલેરિયાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા હતા.

અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં પાણીજન્ય-મચ્છરજન્ય બીમારીના કેટલા કેસ નોંધાયા તે અંગેના પ્રશ્નમાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં વર્ષ ૨૦૨૫માં કમળાના ૩૧, ટાઈફોઈડના ૫૭, મેલેરિયાના ચાર કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ૨૦૨૪માં કમળાના ૨૪, ટાઈફોઈડના ૭૩ અને મેલેરિયાના ૬ કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળાના વર્ષ ૨૦૨૪માં ૧૨૧૪૧ જ્યારે વર્ષ ૨૦૨૫માં ૧૦૧૨૧ કેસ સામે આવ્યા હતા. આમ બે વર્ષમાં જ પાણીજન્ય રોગચાળાના ૨૨ હજારથી વધુ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ખાસ કરીને ચોમાસા બાદ મેલેરિયાના કેસમાં ભારે વધારો જાવા મળતો હોય છે. હવે એક સવાલ એવો પણ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ રોગચાળાના આંકડા છુપાવવા જાત-જાતના અખતરા કરે છે. ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ પણ તેમની સાથે જાણે સ્પર્ધામાં ઉતાર્યું છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધી મલેરિયાના ૧૮ હજારથી કેસ નોંધાયેલા છે. જેની સરખામણીએ ૨૦૧૮માં ૨૨૧૧૪, ૨૦૧૯માં ૧૩૮૮૩ અને ૨૦૨૦માં ૪૭૭૧ કેસ નોંધાયા હતા.