વસંત ગજેરા અને ગજેરા બંધુઓ સામે ગંભીર નોંધ લેતા તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ કર્યો

ગુજરાત હાઇકોર્ટે સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ગજેરા બંધુઓ સામે ગંભીર નોંધ લેતા તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો મહત્વનો આદેશ કર્યો છે. ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે હાઇકોર્ટે ૧૨ ફેબ્રુઆરીએ સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે ફરિયાદીના જણાવ્યા મુજબ ગુનો દાખલ કરવામાં આવે.

ફરિયાદી પ્રવિણ અગ્રવાલના આક્ષેપ મુજબ, લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સહિત ગજેરા બંધુઓની અંદાજે ૪૫ જેટલી કંપનીઓ કાર્યરત છે. વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા સામે થયેલી ફરિયાદમાં નીચે મુજબના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છેઃ

મિલકતની ઉચાપતઃ ફરિયાદીના ૪૩% હિસ્સાના શેરવાળી ‘શાંતિ રેસિડેન્સી’ મિલકતોનું માર્કેટ ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું. પરંતુ, કંપનીના ચોપડે માત્ર જંત્રી મુજબની નોમિનલ રકમ જ દર્શાવી બાકીની મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.

મની લોન્ડરિંગ અને હવાલાઃ આક્ષેપ છે કે ઉચાપત કરેલી રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલવામાં આવી હતી. આ રકમને રાકેશ ગજેરા દ્વારા ફોરેન ઇન્વેસ્ટર તરીકે દર્શાવી કંપનીમાં જ મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.

દસ્તાવેજામાં છેતરપિંડીઃ કંપનીમાં ફરિયાદી, તેમના પિતા અને પત્નીની ખોટી સહીઓ કરીને બોગસ દસ્તાવેજા બનાવવામાં આવ્યા હતા. આ બોગસ પુરાવાઓનો રજીસ્ટ્રાર ઓફ કંપની અને સરકારી કચેરીઓમાં સાચા તરીકે ઉપયોગ કરી ખોટા એકરારો કરવામાં આવ્યા હતા.

હિસ્સામાં ઘટાડોઃ ફરિયાદીના પરિવારનો શેર જે ૪૩% હતો, તેને ગેરકાયદેસર રીતે ઘટાડીને માત્ર ૪.૦૨% કરી દેવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે.

ડિરેક્ટર પદ પરથી હટાવ્યાઃ ફરિયાદીની ડિરેક્ટરશીપ રદ કરવા માટે તેમના રાજીનામા પર પણ બોગસ સહીઓ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે.

ફરિયાદમાં વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ગજેરા બંધુઓના પીએનબી કૌભાંડી મેહુલ ચોક્સી સાથે ભાગીદારીના સંબંધો છે. રાકેશ ગજેરા અને મેહુલ ચોક્સીએ અનેક કંપનીઓ અને દુબઈની કંપનીઓમાં ફંડ મોકલ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા લક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. હવે હાઇકોર્ટના આ કડક વલણ અને એફઆઇઆરના આદેશ બાદ ગજેરા બંધુઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.