ખાનપુરના લાડણના મુવાડા ગામ પાસેથી પોલીસે કારમાંથી ૬૪.૨૯ લાખના ૪૨૮.૬૦ કિ.ગ્રા.પોષડોડાનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ ૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને બાકોર પોલીસ મથકે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
એક સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં માદક પદાર્થ પોષડોડા ભરીને ડીટવાસથી બાકોર થઈને લાડણના મુવાડા ગામે થઈને જીતપુરા ચોકડી તરફ જનાર છે. તેવી બાતમી બાકોર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે લાડણના મુવાડા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કાર આવતા પોલીસે ઉભા રાખવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાડી દેતા પોલીસે પીછો કર્યો હતો. લાડણના મુવાડાના સીંગલપટ્ટી પર કારનો ચાલક કાર મુકીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા અલગ અલગ નંબરોની નંબર પ્લેટો તથા બે મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ કારની વચ્ચેની સીટમાં કાળા કલરના ૨૬ થેલા મળી આવ્યા હતા. પોલીસે થેલાઓ ચેક કરતા અંદર પોષડોડાનો જથ્થો હતો. પોલીસે ગણતરી કરતા .૬૪.૨૯ લાખના ૪૨૮.૬૦ કિ.ગ્રા.પોષડોડાનો જથ્થો થયો હતો. પોલીસે પોષડોડાનો જથ્થો, બે મોબાઇલ કાર સહિત કુલ .૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને બાકોર પોલીસ મથકે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.