રામપુર,
ઉત્તર પ્રદેશમાં ૩ બેઠકો પર પેટાચૂંટણી માટે રાજકીય નિવેદનબાજીના કારણે રાજકીય પારો ચરમસીમાએ છે. રામપુરમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનું નિવેદન આવ્યું હતું. બીજી તરફ હવે પૂર્વ મંત્રી નવાબ કાઝિમ અલી ખાનનું સપા નેતા પર નિવેદન આવ્યું છે.
પૂર્વ મંત્રી નવાબ કાઝિમ અલી ખાન ઉર્ફે નાવેદ મિયાએ કહ્યું કે, રામપુરમાં આઝમ ખાનની રાજકીય કારકિર્દી તેમના પુત્ર અબ્દુલ્લા આઝમે બરબાદ કરી દીધી છે. ’ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવી ઘટના બની છે. ખાનની રાજકીય કારકિર્દી ઠપ્પ થઈ ગઈ છે. તે નવાબ હતા. કાઝિમ અલી ખાને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રો અંગે ફરિયાદ કરી હતી.
પૂર્વ મંત્રીએ કહ્યું કે, અબ્દુલ્લા આઝમની ૨૦૧૭ની ચૂંટણી હાઈકોર્ટે રદ્દ કરી દીધી હતી અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રોનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં અબ્દુલ્લા આઝમ, આઝમ ખાન અને તેની પત્ની તજીન ફાતમા આરોપી છે. નવાબ કાઝીમ અલી ખાને કહ્યું કે આ વખતે રામપુરમાં બીજેપીનું કમળ ખીલશે અને આઝમ ખાનની રાજનીતિ ખતમ થઈ જશે.
વોટિંગ દરમિયાન આઝમખાને કહ્યું હતું કે, તોડફોડ કરવામાં આવી રહી છે, લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, લોકોને માર મારવામાં આવી રહ્યો છે. પોલીસ મહોલ્લામાં જઈને કહી રહી છે કે, મતદાન ન કરશો. એક મહોલ્લામાં પોલીસે લોકોને એટલા ધમકાવ્યા કે, લોકો ઘરે તાળા લગાવીને પલાયન કરી ગયા. દરેક જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે કે, મતદાન કરવા ન જશો.
આ અગાઉ ડિમ્પલ યાદવે પણ એક ટ્વીટર દ્વારા બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ડિમ્પલ યાદવે પોતાના ટ્વીટમાં લખ્યું કે, હોટેલ પામ, સ્ટેશન રોડ, મૈનપુરીમાં સેંકડોની સંખ્યામાં ભાજપ નેતા, કાર્યર્ક્તા એકઠા થઈને નિરતર દારૂ અને પૈસા વહેંચી રહ્યા છે. ચૂંટણી પંચે આ મામલાની નોંધ લેવી જોઈએ.