
ચોપડા આધારિત વહીવટને બદલે બેંકિંગ વ્યવસ્થા ઓનલાઈન કરવા રજૂઆત; લોન રિકવરી, ઓવરડ્રાફ્ટ સહિતના મુદ્દે સભાસદોએ ઉઠાવ્યા સવાલો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાંજે ૬ વાગ્યે સભા પૂર્ણ.
ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડની ૬૯મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન ગણપતભાઈ ગોવિંદભાઈ ડાંગીની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે યોજાઈ હતી. ઝાલોદ, લીંમડી અને સંજેલી વિસ્તારના સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓને લઈને સભાસદો દ્વારા પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવતા સભા લાંબી ચાલી હતી. સભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
સભા સવારે ૧૧:૩૦ કલાકે શ થઈ હતી અને મળતી માહિતી મુજબ વિવિધ પ્રશ્નો તથા ચર્ચાઓને કારણે સાંજે આશરે ૬ વાગ્યા સુધી ચાલી હતી. સામાન્ય રીતે યોજાતી સભાઓની સરખામણીએ આ સભા લાંબી ચાલતા આ બાબત સભાસદોમાં ચર્ચાનો વિષય બની હતી.
આજના ડિજીટલ યુગમાં બેંકિંગ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે સોસાયટીના વહીવટને ઓનલાઈન કરવાની રજૂઆત સભામાં કરવામાં આવી હતી. સામાન્ય બેંકિંગ કામકાજ માટે પણ સભાસદોને બ આવવું પડતું હોવાની રજૂઆત સાથે ડિજીટલ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી. સભાસદો દ્વારા ચોપડા આધારિત વહીવટના બદલે આધુનિક ડિજીટલ સિસ્ટમ અપનાવવામાં આવે તો વ્યવહારોમાં પારદર્શિતા અને સભાસદોને સુવિધા મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સોસાયટીમાંથી લોન લેનારા ગ્રાહકો સમયસર લોનની ભરપાઈ કરે તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ પણ સભામાં કરવામાં આવી હતી. કેટલાક લોનધારકોનું અવસાન થયું હોવા અથવા તેઓ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં લોનની રકમ ભરપાઈ થઈ ન હોવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
લોનની બાકી રકમની કાયદેસર રીતે વસૂલાત થાય અને સંસ્થાની નાણાકીય સ્થિતિ પર તેની અસર ન પડે તે માટે જરી કાર્યવાહી કરવાની માંગ સભાસદોએ કરી હતી. કેટલાક સભાસદોએ ઓવરડ્રાફ્ટ મારફતે વધુ લોન લેવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવી આવા ખાતાઓની પણ યોગ્ય સમીક્ષા કરી સમયસર રિકવરી કરવાની રજૂઆત કરી હતી.
સભા દરમિયાન કેટલાક સભાસદોએ સોસાયટીના વહીવટ અને કામગીરીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સભામાં વિવિધ મુદ્દાઓ પર લાંબી ચર્ચા અને પ્રશ્નોત્તરી જોવા મળી હતી. સભાસદોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ સંચાલક મંડળ દ્વારા આપવામાં આવ્યા હતા.
સામાન્ય સભાની શઆતમાં સોસાયટી સાથે જોડાયેલા અને નિવૃત્ત થયેલા ૩૯ શિક્ષક સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ નિવૃત્ત શિક્ષકોને .૧૧,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
સોસાયટીના સભાસદોના સંતાનો માંથી જજઈ અને ઇંજઈ પરીક્ષામાં સારા ગુણ મેળવી સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
બેંકનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ, સભાસદોને ૧૩ ટકા ડિવિડન્ડ : સામાન્ય સભામાં સોસાયટીનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાની કામગીરી અને નાણાકીય સ્થિતિ અંગે સભાસદોને માહિતી આપવામાં આવી હતી. સભાસદોને ૧૩ ટકા ડિવિડન્ડ આપવામાં આવતું હોવાનું પણ સભામાં જણાવાયું હતું. ચેરમેન સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિ
આ પ્રસંગે ચેરમેન ગણપતભાઈ ડાંગી, રાજ્ય સંઘના ઉપપ્રમુખ સુરતાનભાઈ કટારા, બેંકના વાઇસ ચેરમેન મોહનભાઈ સંગાડા તેમજ શિક્ષક સંઘના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ, લીંમડી અને સંજેલી વિસ્તારના સભાસદોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી.
પ્રાર્થના સાથે સંગીતમય માહોલ, રાષ્ટ્રગાનથી સભાનું સમાપન : સભ્ય રાજેશભાઈ પરમારે સંગીત સાથે પ્રાર્થના રજૂ કરી સભામાં સુંદર સંગીતમય વાતાવરણ ઊભું કર્યું હતું. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પ્રશ્નોત્તરી બાદ અંતે રાષ્ટ્રગાન સાથે ૬૯મી વાર્ષિક સાધારણ સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.