વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં અસ્થાયી રાહત, ૨૦ ડિસેમ્બર પછી ફરી વધશે ઠંડીનો ચમકારો

ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આનાથી વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળી છે. મહત્તમ તાપમાન ૩૨થી ૩૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં વધુ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. આગામી દિવસોમાં પણ આ સિસ્ટમની અસર રહેવાની શક્યતા છે, પરંતુ ૨૦ ડિસેમ્બર પછી ઠંડીનું પ્રમાણ ફરી વધશે તેવું અનુમાન છે.

ડીસામાં ૧૨.૯ ડિગ્રી, નલિયામાં ૧૩.૮ ડિગ્રી, કંડલામાં ૧૫.૩ ડિગ્રી, અમદાવાદમાં ૧૫.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી, વડોદરામાં ૧૩.૨ ડિગ્રી, ભુજમાં ૧૫.૨ ડિગ્રી, ભાવનગરમાં ૧૫.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૫ ડિગ્રી, મહુવામાં ૧૫.૧ ડિગ્રી, દમણમાં ૧૭.૨ ડિગ્રી, પોરબંદરમાં ૧૭.૨ ડિગ્રી, રાજકોટમાં ૧૬.૯ ડિગ્રી અને કેશોદમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મય ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો હજુ યથાવત છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગના મતે, આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થશે.ડિસેમ્બર મહિનાના મય ભાગમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ મય એશિયા અને મેડિટેરેનિયન વિસ્તારથી આવતી હવાની સિસ્ટમ છે, જે ઉત્તર ભારત અને હિમાલય પર વધુ અસર કરે છે. ગુજરાતમાં તેની અસરથી વાદળછાયું વાતાવરણ બને છે અને તાપમાનમાં વધારો થાય છે. આ સિસ્ટમ પસાર થયા પછી ઉત્તરીય ઠંડા પવનોની અસરથી ઠંડી વધે છે.હવામાન નિષ્ણાતોની નજર આ ફેરફાર પછી ઠંડીના નવા રાઉન્ડ પર છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે, પરંતુ ૨૦ ડિસેમ્બર પછી ઠંડી ફરી તીવ્ર બનશે.