
વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસોમાં જ્યારે લોકો થર્ટી ફસ્ટની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જી હા.. ખાસ કરીને ફાર્મ હાઉસમાં યોજાતી ગેરકાયદેસર હુક્કા પાર્ટીઓ પર લગામ ક્સવા માટે સુરત ર્જીંય્ દ્વારા કડક રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
આ વખતે સુરત પોલીસ માત્ર ગ્રાઉન્ડ પર જ નહીં, પણ આકાશમાંથી પણ નજર રાખશે. સુરતના ડુમસ અને અમરોલી જેવા વિસ્તારોમાં સૌથી વધુ ફાર્મ હાઉસ આવેલા છે. આ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. જો કોઈ ફાર્મ હાઉસમાં શંકાસ્પદ હલચલ અથવા હુક્કા પાર્ટીનું આયોજન જણાશે, તો તાત્કાલિક દરોડા પાડવામાં આવશે.
એસઓજી પોલીસે છેલ્લા ૩ દિવસમાં સઘન ચેકિંગ હાથ ધરીને ૧૮ લાખ રૂપિયાથી વધુની કિંમતના હુક્કા અને તેને લગતા સાધનો કબ્જે કર્યા છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પકડાયેલા હુક્કાના વેપારીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે સૌથી વધુ હુક્કાનું વેચાણ થર્ટી ફસ્ટની ફાર્મ હાઉસ પાર્ટીઓ માટે થાય છે. યુવાધનને આકર્ષવા માટે અલગ-અલગ લેવરના હુક્કા અને સાધનો મોટા પ્રમાણમાં સ્ટોક કરવામાં આવ્યા હતા. ત્યારે સુરત પોલીસે ચેતવણી આપી છે કે થર્ટી ફસ્ટની ઉજવણીના નામે કેફી દ્રવ્યો કે હુક્કા પાર્ટીનું આયોજન કરનારાઓને બક્ષવામાં નહીં આવે. એસઓજીની અલગ-અલગ ટીમો બનાવીને ડુમસ અને અમરોલી પટ્ટાના તમામ ફાર્મ હાઉસ પર વોચ ગોઠવી દેવામાં આવી છે.
સામાન્ય રીતે ફાર્મ હાઉસમાં ખાનગી પાર્ટીઓના નામે યુવાધન હુક્કા અને અન્ય નશાના રવાડે ચઢતું હોય છે. આ સામાજિક બદીને રોકવા માટે સુરત પોલીસ આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવાના મૂડમાં નથી. જો તમે પણ કોઈ પાર્ટીનું આયોજન કરી રહ્યા હોવ, તો કાયદા મર્યાદામાં રહીને જ ઉજવણી કરજો, અન્યથા તમારી થર્ટી ફસ્ટ જેલમાં વીતી શકે છે.