વરસતા વરસાદમાં ‘જગતનો તાત’ લાચાર: ગરબાડામાં ખાતર માટે ચંપલની લાંબી લાઈનો ! 

ગરબાડા પંથકમાં મેઘરાજાની સાર્વત્રિક પધરામણી થતાં જ ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે. વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો જોરશોરથી વાવણીના કામમાં લાગી ગયા છે. પરંતુ, આ કપરા સમયે જ્યારે ખેડૂતને ખાતરની સૌથી વધુ જરૂર છે, ત્યારે તંત્રની નબળી આયોજન ક્ષમતાને કારણે જગતના તાતને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે ગરબાડાના ખાતર ડેપો પર એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું. ધોધમાર વરસતા વરસાદની વચ્ચે પણ ખેડૂતો વહેલી પરોઢથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા હતા. આખું વર્ષ મહેનત કરીને જગતની જઠરાગ્નિ ઠારતા ખેડૂતો આજે પોતે ખાતરની એક ગુણી માટે કલાકો સુધી વરસાદમાં પલળવા મજબૂર બન્યા છે. 

વરસાદનું જોર વધતાં ખેડૂત લાઈનમાંથી ખસીને ઓથ લેવા મજબૂર બન્યા હતા. પરંતુ પોતાની જગ્યા ન બદલાય તે માટે ખેડૂતોએ લાઈનમાં પોતાના ઘસાયેલા પગરખાં (ચંપલ અને બૂટ) ગોઠવી દીધા હતા. જોતજોતામાં ખાતર ડેપોની બહાર માણસોની જગ્યાએ પગરખાંની લાંબી કતાર જોવા મળી હતી. કેમેરામાં કેદ થયેલી આ તસવીર ખેડૂતોની લાચારી અને તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે.

ચોમાસું આવતાની સાથે જ ખાતરની અછત અને ખેડૂતોની હાલાકીના દ્રશ્યો દર વર્ષે જોવા મળે છે. વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહેવા છતાં ઘણા ખેડૂતોને ખાતર મળતું નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, ખેડૂતોના ઘસાયેલા પગરખાંની આ લાઈન જોઈને પણ વહીવટી તંત્રની આંખો ઉઘડશે ખરી? શું ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સરળતાથી ખાતર મળી રહેશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ જગતનો તાત માત્ર વલખાં જ મારતો રહેશે?