રાજકોટમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપઃ ૧૭ વર્ષીય કિશોર સામે પોસ્કો હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ પાડોશમાં રહેતા ૧૭ વર્ષીય કિશોર પર લાગ્યો છે. ઘટનાને લઈને સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કિશોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા ઘરમાં એકલી હતી ત્યારે પાડોશમાં રહેતા કિશોરે તેની એકલતાનો લાભ લીધો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટના બાદ આરોપીએ સગીરાને કોઈને વાત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાએ પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો તેમજ પોસ્કો અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપી ૧૭ વર્ષનો કિશોર હોવાથી કાયદાકીય પ્રક્રિયા મુજબ તેને જુવેનાઇલ જસ્ટસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.