
ગરબાડા તાલુકાના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લાસ્ટ માઈલ સર્વિસ ડિલિવરી’ (છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવી)ના સંકલ્પને સાકાર કરવા માટે ગરબાડા ખાતેથી જ જિલ્લાના પ્રથમ ‘ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.
આ ગરિમામય પ્રસ્થાન પ્રસંગે ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ નીલાબેન શૈલેષભાઈ દેવધા , દાહોદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ વિજયભાઈ અમલીયાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અવિનાશ ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લીલી ઝંડી બતાવી આ નવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
હવે ગરબાડાના એવા અંતરિયાળ ગામો અને ફળિયાઓ, જ્યાં મોટા વાહનો કે સામાન્ય એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, ત્યાં આ ખાસ બાઈક એમ્બ્યુલન્સ દોડશે. આરોગ્ય કર્મચારીઓ સીધા દર્દીના ઘર સુધી પહોંચીને નીચે મુજબની સેવાઓ આપશે ઘરઆંગણે નિઃશુલ્ક તપાસ બ્લડ પ્રેશર (BP) અને બ્લડ સુગરની સ્થળ પર જ તપાસ લેબોરેટરી અને દવાઓ મેલેરિયા ટેસ્ટ જેવી પ્રાથમિક તપાસ અને જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ તાત્કાલિક રિફરલ સેવા ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે તાકીદે મોટી હોસ્પિટલમાં ખસેડવાની સુવિધા.
રસ્તો ભલે નાનો હોય, પણ સેવા મોટી મળશે”ના અભિગમ સાથે શરૂ થયેલી આ બાઈક હેલ્થ સેવાથી ગરબાડા તાલુકાના હજારો આદિવાસી નાગરિકોને હવે સમયસર અને ઘરઆંગણે જ તબીબી સારવાર મળી રહેશે.