સુરત: સંતાનની ઘેલછામાં દંપતીએ ૧ વર્ષની બાળકીનું અપહરણ કર્યું, પોલીસે બિહારથી પતિ-પત્નીને ઝડપી પાડ્યા

પલસાણા તાલુકામાં આવેલા તાતીથૈયા ગામેથી ગત ૧૬ ડિસેમ્બરના રોજ થયેલા એક વર્ષની માસૂમ બાળકીના અપહરણના કેસમાં કડોદરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બિહાર પહોંચીને બાળકીને અપહરણર્ક્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સાથે જ આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જે રીતે આરોપીની ધરપકડ કરી છે તે જાણીને તમે નવાઈ પામી જશો. કારણકે પોલીસે છેક બિહાર પહોંચીને આરોપીને દબોચ્યો છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, ગત ૧૬ ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના તાતીથૈયા ગામની ’ઓમ સાઈ’ બિલ્ડિંગમાં રહેતા એક પરિવારની માત્ર એક વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં બાળકી ન મળી આવતા અંતે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાળકીના અપહરણની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં પાડોશમાં જ રહેતું એક દંપતી બાળકીને લઈને જતું સ્પષ્ટ દેખાયું હતું. પોલીસ૩ તપાસમાં બહાર આવ્યું કે આ દંપતી બાળકીને લઈને વતન બિહાર ભાગી ગયું છે. સીસીટીવી અને બાતમીદારોની મદદથી કડોદરા પોલીસની એક ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈને પોલીસે દરોડો પાડી આરોપી કુંદનપુરી રામદેશપુરી રાય અને તેની પત્ની મોનીદેવીની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દંપતીએ કબૂલાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે લગ્નના લાંબા સમય બાદ પણ તેમને કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છાને કારણે તેમણે પાડોશમાં રહેતી આ માસૂમ બાળકીને ઉઠાવી લેવાનું કાવતરું ઘડ્યું હતું અને તેને પોતાની સાથે બિહાર લઈ ગયા હતા.