
શહેરના સરથાણા વિસ્તારમાં સોનાના વેપારી સાથે વિશ્વાસઘાત થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી છે. યોગીચોક નજીક આવેલી યોગી જ્વેલર્સની દુકાન નં. ૧ અને ૨ પરથી ૬૦૦ ગ્રામથી વધુ ૨૪ કેરેટ શુદ્ધ સોનું લઈ ગયા બાદ આરોપીએ સોનાના ઘાટ બનાવી આપ્યા ન હોવાનો તેમજ લીધેલું સોનું પરત ન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી વેપારી પાસેથી કુલ ૬૫૯.૮૮૬ ગ્રામ ૨૪ કેરેટ શુદ્ધ સોનું લેવામાં આવ્યું હતું. આરોપીએ આ સોનામાંથી જરૂરી ઘાટ બનાવી આપવાની વાત કરી સોનું મેળવ્યું હતું. જાકે, સમય બાદ પણ ઘાટ તૈયાર કરીને પરત આપવામાં આવ્યો નહોતો. વેપારી દ્વારા સોનું પરત માંગવામાં આવતાં પણ સોનું પરત ન મળતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ મામલે આરોપી તરીકે બીલ્ટુ બલરામ સામંતાનું નામ સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી હાલમાં સુરતના મહિધરપુરા જદાખાડી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવાયું છે, જ્યારે તેનું મૂળ વતન કોલકાતા, પશ્ચિમ બંગાળ હોવાનું નોંધાયું છે. વેપારીનો આક્ષેપ છે કે, વિશ્વાસના આધારે સોનું સોંપ્યા બાદ આરોપીએ નક્કી કરેલા મુજબ સોનાના ઘાટ બનાવી આપ્યા નહીં અને સોનું પણ પરત કર્યું નહીં. આ રીતે કુલ ૬૫૯.૮૮૬ ગ્રામ સોનું મેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી અંગેની માહિતી એકત્રિત કરવા તેમજ સોનું ક્યાં ગયું અને સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલામાં સોનાના જથ્થાની હેરફેર અને આરોપીની ભૂમિકા અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.