સંખેડાના પરવટા શાળાના વિદ્યાર્થીઓએ ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી ભક્તિભાવપૂર્વક આરતી કરી

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાની પરવટા મહા ન.વ પ્રાથમિક શાળામાં આ વર્ષે ગણેશોત્સવ ખૂબ ઉત્સાહ, શ્રદ્ધા અને પર્યાવરણ જાગૃતિ સાથે ઉજવાયો હતો.

શાળાના પ્રાંગણમાં બાપ્પાના આગમનને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઘણો ઉત્સાહ હતો. આ તહેવાર દ્વારા બાળકોમાં ધાર્મિક સંસ્કારોની સાથેસાથે સામાજીક અને પર્યાવરણીય મૂલ્યોનું સિંચન થાય તેવો ખાસ હેતુ આયોજનમાં રાખવામાં આવ્યો હતો.

ઉજવણીના ભાગ‚પે શાળામાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાની ખાસ વર્કશોપ યોજાઈ હતી. શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શુદ્ધ માટીમાંથી પોતાના હાથે જ ભગવાન ગણેશની સુંદર મૂર્તિઓ બનાવી હતી.

બાળકોને પ્લાસ્ટર ઓફ પેરિસ (ઙઘઙ) અને પાણીના જીવોને નુકસાન કરતા કેમિકલ રંગોના જોખમો વિશે પણ સમજાવવામાં આવ્યા હતા. જેથી તેઓ નાનપણથી જ પ્રકૃતિની રક્ષા કરવાની જવાબદારી સમજી શકે. બાળકોએ આ પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને પોતાની કલા બતાવી હતી.

ગણેશોત્સવના દિવસો દરમિયાન શાળા પરિસરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ છવાયેલું રહ્યું હતું. શાળાના આચાર્ય, તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં વિધિવત પૂજા અને આરતી કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને ગણપતિ બાપ્પાના જયકારાથી શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ સાથે મળીને આરતી ગાઈને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જસુબેન બારૈયા તથા શિક્ષકો નિરવભાઈ મહેતા, સતિષભાઈ ગોહેલ, યોગિતાબેન કંટારિયા અને બી.એડ. તાલીમાર્થી પુષ્પાબેન તડવીએ માર્ગદર્શન આપ્યું હતું.

આચાર્યએ ઉત્સવના અંતે જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના અને સંસ્કારોનું સિંચન કરવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે. શિક્ષકોના ઉત્સાહ અને વાલીઓના સહયોગથી આ કાર્યક્રમ ખુશી સાથે પૂરો થયો.