રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઇટના પાછળના ભાગેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મૂળ ઓડિશાના અને રાજકોટમાં મજૂરી કામ કરતા ૩૪ વર્ષીય દુખી શ્યામ તરીકે થઈ હતી. બનાવની ગંભીરતાને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.
પોલીસે બનાવના પગલે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી તેમની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક દુખી શ્યામે એક યુવતીનો હાથ પકડ્યો હોવાની બાબતે શંકા ઊભી થઈ હતી. આ યુવતી એમપીના શ્રમિક અજિતની બહેન હોવાનું સામે આવ્યું હતું. બહેન સાથે છેડતી થઈ હોવાની શંકા રાખીને અજિતે તેના બે મિત્રો સાથે મળીને દુખી શ્યામને બાંધકામ સાઇટના ઉપરના માળે લઈ ગયો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઉપરના માળે લઈ ગયા બાદ આરોપીઓએ દુખી શ્યામ સાથે મારામારી કરી અને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની પ્રાથમિક કબૂલાત આપી છે. ત્યારબાદ મૃતદેહને બાંધકામ સાઇટના પાછળના ભાગે ફેંકી દેવામાં આવ્યો હતો. આ બનાવને આપઘાત અથવા અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ પોલીસને શંકા છે.
બનાવની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન ઘટનાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મૃતકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.