સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર સંપન્ન : આરોગ્ય કર્મચારીઓએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનનો સંદેશ આપ્યો

માનવસેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝાલોદ સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિર દાહોદના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવટ તેમજ ઝાલોદના તાલુકા હેલ્થ ઓફિસર તુષાર ભાભોરના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને રક્તદાન કર્યું હતું.

શિબિરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ગામડીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્તદાતાઓમાં શંકરપુરાના MPHW સુરેશભાઈ અમલીયાર, જાફરપુરાના MPHW મછાર વિજયભાઈ તેમજ PHCગામડીના સુપરવાઇઝર ડામોર ગીરીશભાઈએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓએ રક્તદાન એ જ મહાદાનનો પ્રેરણાદાયી સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપેલું રક્ત આવતીકાલે કોઈ જ‚રિયાતમંદ વ્યક્તિ માટે નવજીવનની આશા બની શકે છે. આ આયોજન દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને માનવસેવાની ભાવના પ્રબળ બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા સામાન્ય નાગરિકોને પણ આ ઉમદા કાર્યમાં જોડાવા અને નિયમિતપણે સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.