
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના સરકારી માધ્યમિક શાળા, કંબોઈ ખાતે વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન મળી રહે તે હેતુસર મધ્યાહન ભોજન યોજનાનો સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત પ્રાયોજના વહીવટદારની કચેરી, દાહોદ, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, દાહોદ તથા જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત સહયોગથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પાયલોટ પ્રોજેક્ટ તરીકે મધ્યાહન ભોજન યોજના હેઠળ અક્ષય આહાર પૂરો પાડવાની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ દરમ્યાન શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોંકણએ સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે શાળાની બાળાઓએ પાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરએ આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળનાર લાભ તેમજ અન્ય શૈક્ષણિક યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને ગુણવત્તાસભર આહાર ઉપલબ્ધ કરાવી તેમના આરોગ્ય, પોષણ અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમના અંતે સાંસદએ શાળાના વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન પીરસ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન સાંસદ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નિયમિત રીતે સંતુલિત આહાર મળી રહે તે માટે યોજનાના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.