
શહેરા તાલુકાના લિબોદ્રા ગામ ખાતે આવેલી રાધે ગૌશાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગૌભક્તો દ્વારા ગૌપૂજન અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા ગૌ સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ રામભા ગઢવી, ગૌભક્ત ધ્રુવબાપુ તથા હર્ષભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે વડા પ્રધાન મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શાસ્ત્રોક્ત વિધિથી હોમ-હવન કરી ગૌમાતાને પ્રાર્થના કરવામાં આવી હતી.
શહેરા તાલુકાના લિબોદ્રા ગામ ખાતે ‘રાધે ગૌશાળા’ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે ગૌભક્તો દ્વારા ગૌમાતાના વિશેષ પૂજન-અર્ચના, હોમ-હવન અને દેશના પ્રધાનમંત્રીનું સ્વાસ્થ્ય નિરોગી રહે તથા તેઓ દીર્ઘાયુ બને તેવા હેતુથી એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાધે ગૌશાળા ખાતે ઉપસ્થિત તમામ સંતો અને ગૌભક્તો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌમાતાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રાહ્મણોના ઉચ્ચારાયેલા મંત્રો સાથે હોમ-હવનનો પ્રારંભ થયો હતો. આ મહાયજ્ઞમાં ગૌભક્તોએ આહુતિઓ અર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વિશિષ્ટ પ્રાણ-પ્રતિષ્ઠાત્મક પ્રાર્થના કરી હતી.લિબોદ્રા ખાતે આયોજીત આ ધાર્મિક અને દેશપ્રેમથી સભર કાર્યક્રમમાં અગ્રણી ગૌભક્ત ધ્રુવબાપુ તેમજ હર્ષભાઇ રાઠોડ વિશેષ પે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગૌ સેવા ફાઉન્ડેશન પંચમહાલ જીલ્લા અધ્યક્ષ રામભા ગઢવી પોતાની સમગ્ર ઉત્સાહી ટીમ સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારો, ગ્રામજનો અને ગૌભક્તોએ સાથે મળીને સેવાકીય અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે પ્રધાનમંત્રીજીના જન્મદિવસની આ ઉજવણીને ઐતિહાસિક અને યાદગાર બનાવી દીધી હતી. મહાયજ્ઞની મહાઆરતી અને પૂર્ણાહુતિ સમયે સમગ્ર ગૌશાળા પરિસર “જય ગૌમાતા, “હર હર મહાદેવ અને “ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ ગૌભક્તો અને ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. લિબોદ્રા ગામમાં યોજાયેલા આ વિશિષ્ટ મહાયજ્ઞ અને ગૌપૂજને શહેરા તાલુકા તેમજ સમગ્ર પંચમહાલ જીલ્લામાં ગૌસેવા, રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતાનો એક અનોખો સંદેશ પાઠવ્યો હતો.