પંચમહાલ જીલ્લામાં “સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ અને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો : કુલ ૩૮૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું

પંચમહાલ જીલ્લા ખાતે “સેવા મેરા યોગદાન અભિયાનના ભાગ‚પે આજ રોજ જીલ્લાના વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ, પોષણ કીટ વિતરણ સહિતના લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનGMERS મેડિકલ કોલેજ ચંચોપા (તા. ગોધરા), આરોગ્ય શાખા (જીલ્લા પંચાયત ગોધરા) અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ મેડિકલ કોલેજ કેમ્પસ ચંચોપા (ગોધરા), શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી કેમ્પસ વિંઝોલ (તા. ગોધરા), શહેરા અને હાલોલ તાલુકા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

આયોજીત રક્તદાન કેમ્પોમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કુલ ૩૮૧ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. જેમાં મેડિકલ કોલેજ (ચંચોપા)માં ૧૧૯ યુનિટ,શહેરામાં ૧૬૨ યુનિટ, હાલોલમાં ૭૮ યુનિટ તથા શ્રી ગોવિંદ ગુરૂયુનિવર્સિટી (વિંઝોલ)માં ૨૨ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત શહેરા ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ૧૪૦૦ પોષણ કીટ આપવામાં આવી હતી. જેમાં ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ તથા ક્ષય રોગ (ટીબી)થી પીડાતા દર્દીઓને સાંકળી લેવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જીલ્લા અગ્રણી મયંકભાઇ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન લલિતાબેન પટેલ, અઙખઈ ચેરમેન માલવદીપસિંહ રાઉલજી સહિત પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી તંત્ર તરફથી જીલ્લા કલેક્ટર અજય દહિયા, પોલીસ અધિક્ષક હરેશ દુધાત, જીલ્લા વિકાસ અધિકારી પ્રણય વિજયવર્ગીય, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી વિપુલ ગામિત, સહિત આરોગ્ય વિભાગ અધિકારીઓ તથા કર્મીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે,શહેરા ખાતે પણ ધારાસભ્ય જેઠાભાઈ આહીરના ઉપસ્થિતમાં જ્યારે હાલોલ ખાતે કે. એસ. શેઠ સાર્વજનિક હોસ્પિટલ ખાતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.