સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.૨૦૦ની લાંચ લેતા વીસીઇ ઝડપાયો !

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ મેહુલ પટેલને આકારણી પત્રક અને જમીનના દસ્તાવેજાની કામગીરી માટે રૂ.૨૦૦ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી બાદ પંચાયત તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, બિલીયા ગ્રામ પંચાયતમાં અરજદારો પાસેથી આવકના દાખલા, જમીનની આકારણી, ૭/૧૨ અને ૮-અના ઉતારા જેવી સરકારી સેવાઓ માટે નિયમિત ફી ઉપરાંત વધારાની રકમ માંગવામાં આવતી હોવાના આક્ષેપો હતા. ફરિયાદ મુજબ, અરજદારો પાસેથી રૂ.૫૦થી લઈને રૂ.૧૦૦૦ સુધીની ગેરકાયદે વસૂલાત કરવામાં આવતી હતી.

આ પ્રકારની માંગણીથી કંટાળેલા એક અરજદારે સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ છઝ્રમ્ની ટીમે બિલીયા ગ્રામ પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી. આયોજન મુજબ, આકારણી પત્રક કાઢી આપવાના બદલામાં મેહુલ પટેલે રૂ.૨૦૦ની લાંચ સ્વીકારી હતી.લાંચની રકમ હાથમાં લેતા જ પહેલેથી જ હાજર એસીબીની ટીમે મેહુલ પટેલને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત કચેરીમાં થયેલી આ કાર્યવાહી બાદ સિદ્ધપુર તાલુકાના સરકારી અને પંચાયત વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને અગાઉ પણ આવી રીતે ગેરકાયદે વસૂલાત કરવામાં આવી હતી કે નહીં તે દિશામાં એસીબી વધુ તપાસ ચલાવી રહી છે.