ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા નિવૃત્ત સિનીયર સિટીઝને અજાણ્યા શખ્સે તેમના મિત્રના અવાજમાં ફોન કરી બેંક ખાતામાં પૈસા જમાં કરાવવાના બહાને કુલ રૂ.૧,૪૦,૯૦૭/-અલગ અલગ ટ્રાન્ઝેકશન મારફતે ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરાના બામરોલી રોડ સ્થિત મહાવીર નગર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષિય અલ્પેશકુમાર પુંજીલાલ મહેતાને ગત તા.૧૧મી એ તેમના મોબાઈલ પર અજાણ્યા શખ્સે તેમના મિત્રના અવાજમાં ફોન કરી ખાતામાં પૈસા આવતા ન હોવાનુ જણાવી તેમના મિત્ર પૈસા જમાં કરાવશે તેમ કહી વિશ્ર્વાસમાં લઈ તેમની પાસેથી ફોન-પે મારફતે રૂ.૯૫,૯૦૭/-ટ્રાન્સ્ફર કરાવ્યા હતા. આ ઉપરાંત અન્ય મોબાઈલ નંબરને ફોન-પેમાં ઉમેરી તેના સાથે જોડાયેલા બેંક ખાતામાં વધુ બે અલગ અલગ ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂ.૧,૪૦,૯૦૭/-ની રકમ ટ્રાન્સ્ફર કરાવી હતી. જે બાદ અલ્પેશકુમારને પોતે છેતરાયા હોવાનુ જણાતા તેઓએ ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.