છોટાઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામમાં ભર ચોમાસે પીવાના પાણી મુશ્કેલ નલ સે જલ યોજના હેઠળ ગામમાં નળ તો લગાવાયા છે પરંતુ પાણી ન આવતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ચિલરવાંટ ગામે ૫૦ જેટલા ધરો આવેલા છે. ૧૦૦ જેટલા દલિત સમાજના લોકો વસે છે. ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામમાં પાણીની સુવિધા માટે નળ લગાવ્યા હોવા છતાં પાણીનો પુરવઠો નિયમિત રીતે મળતો નથી. જેના કારણે ગ્રામજનોને રોજિંદી જરિયાત માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત દ્વારા નિયમિત રીતે પાણી વેરો વસુલે છે. છતાં ગામમાં પુરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવતુ નથી. પરિણામે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પીવાનુ પાણી ખાનગી કરવામાં આવેલ બોરમાંથી લેવાનો વારો આવ્યો છે. જેમાં ટીડીએસનુ પ્રમાણ વધુ હોય છે જેના કારણે લોકોને પથરી જેવા રોગો થવાનો ભય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળો પર જ સફળ હોવાનુ દર્શાવી રહ્યુ છે. ગામમાં સરપંચ ફળિયામાં ટાંકી તો ઉભી કરી પરંતુ તેમાં આજ સુધી એક ટીપું પાણી નથી પહોંચ્યુ. પાણીની ગંભીર સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યકત કરી તાત્કાલિક અસરથી પાણી પુરવઠો રાબેતા મુજબ કરવાની માંગ કરી છે. સાથે જ ચિમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે સમસ્યાનુ નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.