દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. જીલ્લામાં બહુવર્ષાયુ ફળપાકો, સુગંધિત પાકો તેમજ વિવિધ બાગાયતી પાકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા નાની નર્સરી (૦.૪૦ થી ૧ હેક્ટર) અને મોટી નર્સરી (૧ થી ૨ હેક્ટર) સ્થાપવા માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (ikhedut.gujarat.gov.in)પર તા. ૧૦.૧૦.૨૦૨૬ થી તા. ૨૫.૧૦.૨૦૨૬ સુધી અરજીઓ આવકારવામાં આવી છે. ખેડૂતોએ પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી, જરૂરી કાગળો અપલોડ કરીને અરજી ‘કન્ફર્મ’ કરવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ ખેડૂતે પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે.
અરજી મંજૂર થયા બાદ, ક્લેઈમ સબમિટ કરતી વખતે અરજી પર સહી કરી જરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર ૨૩૩-૨૩૫, બીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ (ફોન નંબર: ૦૨૬૭૩-૨૩૯૨૫૧) ખાતે જમા કરાવવાના રહેશે. દાહોદ જીલ્લાના તમામ પાત્રતા ધરાવતા બાગાયતી ખેડૂતમિત્રોને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.