રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક જાહેર રસ્તા પર સર્જાયેલા હત્યાકાંડથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. બે વર્ષ જૂની અદાવત અને કથિત અનૈતિક સંબંધની શંકાના કારણે ૪૨ વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના થોડા જ કલાકોમાં ભક્તિનગર પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરીને સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહ વાઘેલા પોતાના બે મિત્ર સાથે જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ નજીક કારમાં બેઠા હતા. તે દરમિયાન એક વ્યક્તિએ તેમને કારમાંથી બહાર બોલાવ્યા હતા. ઘનશ્યામસિંહ નીચે ઉતરતા જ પાછળથી આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છરી વડે તેમના શરીરના વિવિધ ભાગોમાં એક પછી એક અનેક ઘા ઝીંકી દીધા. મિત્રો બચાવ માટે દોડી આવ્યા છતાં હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા ઘનશ્યામસિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૨૪ દરમિયાન નવરાત્રિ દરમિયાન ધોરાજી તાલુકાના ભાડેર ગામે મૃતક અને આરોપીના પરિવાર વચ્ચે કથિત અનૈતિક સંબંધોની શંકાને લઈને વિવાદ થયો હતો. આ મામલે હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ જ કેસમાં સમાધાન કરવા માટે આરોપી પક્ષ તરફથી સતત દબાણ કરવામાં આવતું હોવાનું અને સમાધાન ન થતાં જૂની દુશ્મનાવટ વધુ ઉગ્ર બની હોવાનું પોલીસ માની રહી છે. તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે હુમલાના થોડા દિવસો પહેલાં આરોપી ધર્મેન્દ્રસિંહે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાને અને પરિવારને ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ડરના કારણે તેણે રહેઠાણ પણ બદલ્યું હોવાનું જણાવાયું હતું. જાકે બંને પક્ષો વચ્ચેનો વિવાદ અંતે જીવલેણ સાબિત થયો અને જાહેરમાં હુમલો કરીને હત્યા કરવામાં આવી.
ઘટના બાદ ભક્તિનગર પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરી છે. હુમલા સમયે તેની સાથે રહેલા અન્ય અજાણ્યા વ્યક્તિની ઓળખ અને ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર કાવતરાની તપાસ આગળ વધારી છે.