શક્તિપીઠ પાવાગઢ ખાતે જ્યોત લેવા આવતા યાત્રાળુઓની સુરક્ષા સામે જોખમ

શક્તિપીઠ પાવાગઢ ખાતે આગામી નવરાત્રિ મહોત્સવને લઈ માતાજીની જ્યોત લેવા આવતા પગપાળા યાત્રાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ખાનદેશમાંથી મોટી સંખ્યામાં માંઈભકતો પગપાળા સંઘ સાથે પાવાગઢ આવી રહ્યા છે. જોકે હાલોલ-બોડેલી હાઈવેની બાજુમાં સાઈડ શોલ્ડર પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાવાગઢ શક્તિપીઠ ખાતેથી માતાજીની જ્યોત લઈ પોતાના વતનમાં જઈ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીના ચોકમાં જ્યોત સ્થાપિત કરી ઉજવણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરાને અનુસરીને કેટલાક માંઈભકતો પોતાના વતનથી પગપાળા સંઘ સાથે પાવાગઢ પહોંચે છે. જયારે કેટલાક ભકતો વાહન મારફતે પાવાગઢ આવી માતાજીની જ્યોત લઈ પગપાળા પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. હાલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ ખાનદેશ તરફથી માંઈભકતોના સંઘો આવવાની શ‚આત થઈ ચુકી છે. પરંતુ હાલોલ-બોડેલી હાઈવે પર માર્ગની બાજુમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાએ પગપાળા યાત્રાળુઓની મુશ્કેલી વધારી છે. સાઈડ શોલ્ડર ઝાડી-ઝાંખરાથી ઢંકાઈ જતાં યાત્રાળુઓને વાહન વ્યવહારથી ધમધમતા મુખ્ય પર માર્ગ પર ચાલવાની ફરજ પડી રહી છે. રાત-દિવસ પગપાળા ચાલતા યાત્રાળુઓ માટે આ સ્થિતિ અકસ્માતના જોખમને આમંત્રણ આપી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનોની અવર જવર વચ્ચે પગપાળા ચાલતા ભકતોની સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા હાલોલ-બોડેલી હાઈવેની બાજુમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાને તાત્કાલિક દુર કરી યાત્રાળુઓ માટે સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.