દે.બારીઆના બહુચર્ચિત શોપિંગ સેન્ટરની ૬૪ દુકાનોના સીલ તોડી ગેરકાયદેસર પ્રવેશ

દે.બારીઆ શહેરના બહુચર્ચિત ૬૪ દુકાનોના શોપિંગ સેન્ટરના અજાણ્યા ઈસમોએ સરકારી સીલ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે પ્રાંત અધિકારીને અરજી કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ સ્થિત સિટી સર્વે નં.-૨૦૫૮ વાળી શ્રી સરકાર જમીન પર બનેલા ગેરકાયદેસર ૬૪ દુકાનોને પ્રાંત અધિકારી દે.બારીઆ દ્વારા જિલ્લા કલેકટરના હુકમથી તા.૨૭/૦૯/૨૦૧૯ ના રોજ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવ્યુ હતુ. છેલ્લા લગભગ ૬ વર્ષ પછી સરકારી જમીનમાં બનેલા આ ગેરકાયદેસર શોપિંગ સેન્ટરની નીચેના ભાગની એકાદ બે દુકાનના સરકારી સીલ હમણાં ચાર-પાંચ દિવસ અગાઉ કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ બદ્ઈરાદાથી અથવા કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવાના ઈરાદે સીલ તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. જે અંગે સંજય જવાહર પરમારે સ્થળના ફોટોગ્રાફસ સહિત પ્રાંત અધિકારી દે.બારીઆને રજુઆત કરી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર બનેલ આ મિલકતને તંત્ર દ્વારા સીલ કર્યા બાદ આ સીલ કોણે તોડ્યુ…?સીલ તોડવાની પરવાનગી કોણે આપી…? અને હાલ સ્થળ પર કઈ ગતિવિધિ થઈ રહી છે તે સરકારી મિલ્કત પર અતિક્રમણ, સરકારી આદેશોનો સરેઆમ અનાદર અને સિલીંગ કાયદાનો ગંભીર ભંગ હોય ગુનેગારો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા દે.બારીઆ પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરાઈ છે.