શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં રસ્તાની બન્ને બાજુ ઉભા થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા

તંત્ર દ્વારા 200 જેટલા દબાણ કરનારાઓને નોટિસ પાઠવામાં આવી હતી.

રસ્તાની બન્ને તરફ તંત્ર દ્વારા નિયમ મુજબની માપણી કરીને દબાણો દૂર કરવામાં આવ્યા હશે કે નહી?

વાઘજીપુર ગામમાં દિન પ્રતિ દિન વધી રહેલા દબાણો સામે સામાન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હોવાની લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો…

શહેરા તાલુકાના વાઘજીપુર ગામે રસ્તાની બન્ને તરફ વર્ષોથી ઊભા થયેલા કાચા પાકા દબાણો આર એન્ડ બી સ્ટેટ વિભાગના પ્રણય રાણાની ઉપસ્થિતિમાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે, તંત્ર દ્વારા 170કરતા વધુ નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હોય પરંતુ હજુ પણ નડતરરૂપ અમુક દબાણો ક્યારે દૂર કરાશે એવી અનેક ચર્ચાઓ સ્થાનિક લોકોમાં થઈ રહી હતી.

શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં દિન પ્રતિ દિન નાના-મોટા કાચા પાકા દબાણો વધી રહ્યા હોવાથી અવર જવરના મુખ્ય રસ્તાઓ ટૂંકા બની જવા સાથે રાહદારીઓને પણ અવર જવરમાં તકલીફ પડી રહી હોવાથી તંત્ર સામે છુપો રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે આ ગામના ડામર રસ્તાની બન્ને બાજુએ કેટલાક દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદે રીતે દુકાનો, મકાન અને લારી ગલ્લા જેવા કાચા પાકા દબાણો ઊભા થતા ગ્રામ પંચાયતને સાથે રાખીને માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટ દ્વારા દબાણો દૂર કરવાના હોવાથી 200 જેટલા દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવીને દબાણકારોને સ્વેચ્છિક દબાણો દૂર કરવા જણાવાયું હતું. વાઘજીપુર ગામથી શહેરા તરફ અને ઓરવાડા તરફ જવાના ડામર રસ્તાની બન્ને તરફ ઊભા થયેલા કાચા પાકા દબાણો દૂર કરવા માટે ગુરૂવારના સવારથી માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટના પ્રણય રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં એમજીવીસીએલ, રેવન્યુ વિભાગની ટીમ તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચને સાથે રાખીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થળ ઉપર પહોંચી હતી. સંબંધિત તંત્ર દ્વારા 170 કરતા વધુ નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હોય પરંતુ હજુ પણ નડતરરૂપ મહત્વના દબાણો દૂર કરવામાં નહીં આવ્યા હોવાનું લોકોમાં ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો. રસ્તાની બન્ને તરફ તંત્ર દ્વારા નિયમ મુજબની માપણી કરીને દબાણો દૂર કરવામાં આવ્યા હશે કે નહી? એવા અનેક સવાલો ઉભા થતા સ્થળ પરની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું હતું. જોકે, દબાણની કામગીરી દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ અને કર્મીઓનો કાફલો પણ તૈનાત રહ્યો હતો.