શહેરાના ડેમલી ગામ પાસે ફોરેસ્ટ વિભાગે ટ્રકમાં લઈ જવાતો રૂા.3.80 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

શહેરા તાલુકાના ડેમલી ગામ પાસેથી પાસ પરમીટ વગર લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને વનવિભાગે ઝડપી પાડી રૂપિયા 3.80 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

શહેરા પરિક્ષેત્ર વન અધિકારી રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ ખાંડીયા રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ.ચૌહાણ અને શહેરા રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ, બીટ ગાર્ડ જી.ટી.પરમાર, સી.સી પટેલ તેમજ એલ.ડી.રબારી સહિત વનવિભાગનો સ્ટાફ તાલુકાના ડેમલી ગામ પાસે પેટ્રોલીંગમાં હતા, તે સમય દરમિયાન ત્યાંથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થતી ટ્રક નંબર જીજે.16.યુ.8881 ને ઉભી રખાવી ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ કરી શકયા ન હતા. જેથી ટ્રકમાં ભરેલ લાકડા પાસ પરમીટ વગર ગેરકાયદે રીતે વહન કરાતા હોવાનું સામે આવતા શહેરા વનવિભાગે ગેરકાયદે પંચરાઉ લાકડાં ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા 3 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે ટ્રકમાં લાકડા ક્યાંથી ભરવામાં આવ્યા અને કયા લઈ જવામાં આવનાર હતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા સાથે લાકડાની પણ માંગ ધીમે ધીમે વધી રહી હોવાથી આર.એફ.ઓ. રોહિત પટેલ દ્વારા વૃક્ષોનું નિકંદન થતું અટકે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય એમ કહીએ તો નવાઈ નહી.