શહેરાના આસ્થાના પ્રતીક પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિરે માઁ ભદ્રકાળી, મૃત્યુંજય મહાદેવ અને ગણપતિ દાદાનો ૨૪મો પાટોત્સવ ભવ્ય રીતે સંપન્ન

શહેરા તાલુકામાં આવેલું અને પૌરાણિક મહત્વ ધરાવતું મરડેશ્ર્વર મહાદેવ મંદિર ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું. મંદિર પરિસરમાં બિરાજમાન આદ્યશક્તિ માઁ ભદ્રકાળી, ભગવાન મૃત્યુંજય મહાદેવ અને ગણપતિ દાદાના ૨૪માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર-દૂરથી આવેલા ભક્તોએ દર્શન અને પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

શહેરા તાલુકાના પાલીખંડા ગામે સ્થિત પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ત્રિવિધ ધાર્મિક મહોત્સવ સંપન્ન થયો હતો. અહીં બિરાજમાન આદ્યશક્તિ માઁ ભદ્રકાળી, ભગવાન મૃત્યુંજય મહાદેવ અને ગણપતિ દાદાનો ૨૪મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે નરેન્દ્ર ભાઈ પંડ્યા, અ‚ણભાઇ પંડ્યા સહિતના ભૂદેવો દ્વારા ગણપતિ પૂજન અને મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો.સાથે મંદિરમાં બિરાજમાન માઁ ભદ્રકાળી, ભગવાન મૃત્યુંજય મહાદેવ અને વિઘ્નહર્તા ગણપતિ દાદાના પાટોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભવ્ય હવન કરવામાં આવ્યો હતો.દિલ્હીના રહેવાસી રામકિશનજીએ યજમાન પદે બિરાજમાન થઈને હવનમાં આહુતિઓ આપી હતી. યજ્ઞકુંડમાં આહુતિઓ આપીને વિશ્ર્વ શાંતિ અને લોકકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. હવનના ધૂમાડા અને મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ અત્યંત પવિત્ર અને દિવ્ય બની ગયું હતું.શ્રદ્ધાળુઓએ મરડેશ્ર્વર મહાદેવ ,માઁ ભદ્રકાળી, ગણપતિ દાદા, મૃત્યુંજય મહાદેવ , બળીયાદેવ મહારાજ અને અન્ય દેવી-દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાવો લીધો હતો.ઉલ્લેખનીય છે કે, મરડેશ્ર્વર મહાદેવનું મંદિર તેના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ માટે જાણીતું છે. અહીંનું શિવલિંગ અત્યંત પ્રાચીન છે અને શ્રદ્ધાળુઓની એવી માન્યતા છે કે અહીં સાચા મનથી મંગાયેલી દરેક માનતા પૂર્ણ થાય છે. ૨૪ વર્ષ પૂર્વે જ્યારે અહીં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ પાટોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. દર વર્ષે આ ઉત્સવનું કદ અને ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.