સાવરકુંડલા, કવાંટ રૂટની એસટી બસ જૂની હોઇ મુસાફરોને રોજની પરેશાની

નસવાડી, કવાંટ તાલુકો આદિવાસી વિસ્તાર હોવા છતાંય સાવરકુંડલાથી કવાંટ સુધી અંદાજીત દરરોજ અવર જવરના 800 કિલોમીટર દોડતી એસટી બસ નવીન ન મુકવામાં આવતા મુસાફરોમા રોષ ઉઠ્યો છે. નસવાડી અને કવાંટ બન્ને તાલુકા આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકા છે. છોટાઉદેપુર જીલ્લાના નસવાડી, કવાંટ બન્ને તાલુકા મથક સુધી સાવરકુંડલા એસટી ડેપોની બસ દોડી રહી છે. જે સરકારી એસટી બસ જૂની હોઇ મુસાફરો નવીન સારી એસટી બસ મુકવા માંગ કરી છે.

કવાંટ થી નસવાડી થઈ ગઢડા, ઢસા, લાઢી, અમરેલી થઈ સાવરકુંડલા સુધી બસનો રૂટ છે. બસ દરરોજ અવર જવરના થઈ 800 કિલોમીટરથી વધુ અંતર કાપે છે. એકબાજુ રાજ્યમા નવીન એસટી બસો જ્યાં જુવો ત્યાં દેખાઈ રહી છે. છતાંય આદિવાસી વિસ્તારમા લાંબા રૂટની બસ નવીન ફાળવામાં આવી નથી. નસવાડી કવાંટ આમ બન્ને તાલુકામાંથી સૌરાષ્ટ્ર વિસ્તારમા મજૂરી કરવા જતા આદિવાસી પરિવારોને સારી બસ મુસાફરોની સુવિધા અપાતી નથી.

બસમા લાંબા અંતરનું ભાડુ પણ વધુ હોય અને કવાંટ સાવરકુંડલા બસની આવક પણ સારી હોવા છતાંય જૂની કલર મારેલી બસ દોડી રહી છે. નસવાડીના જાગૃત નાગરિક રમેશ ભીલ દ્વારા સરકાર આદિવાસી વિસ્તારમાં લાંબા અંતરની સારી બસો દોડાવે તેવી માંગ કરી છે. અને સાવરકુંડલા ડેપો મેનેજર પણ આ બાબતે ધ્યાન આપે તેવી મુસાફરોની માંગ ઉઠી છે.