સ્થાનિક સ્વરાજયની ચુંટણી પુર્ણ થયાને મહિનાઓ વિતી ગયા છતાં નિષ્ઠાપુર્વક ચુંટણી ફરજ બજાવનાર પ્રાથમિક શિક્ષકો અને કર્મચારીઓ હજુ સુધી પોતાના હકના ચુંટણી ભથ્થાથી વંચિત છે. કર્મચારીઓમાં વ્યાપેલા ભારે આક્રોશને ધ્યાને રાખીને લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને લેખિતમાં રજુઆત કરી તાત્કાલિક ભથ્થુ ચુકવવા માંગ કરાઈ હતી.
ગત તા.૨૬ એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચુંટણી દરમિયાન તાલુકાના શિક્ષકો તથા કર્મચારીઓએ પોતાની ફરજો બજાવી હતી. નિયમ મુજબ ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ કર્મચારીઓને તેમનુ ભથ્થુ સમયસર મળી જવુ જોઈએ. પરંતુ લાંબો સમય વિતી જવા છતાં તંત્ર દ્વારા આ ચુકવણુ કરવામાં આવ્યુ નથી. લુણાવાડા તાલુકા ૫્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિરેનકુમાર પટેલ અને મહામંત્રી હરીશભાઈ પટેલ દ્વારા લુણાવાડા મામલતદાર કચેરી ખાતે લેખિત રજુઆત પાઠવી, કર્મચારીઓના હકના નાણાં રોકી રાખવા તે યોગ્ય નથી. શિક્ષકો અને કર્મચારીઓમાં આ બાબતે ભારે અસંતોષ છે. વહીવટી તંત્ર દ્વારા આપણી રજુઆતોને ગંભીરતાથી લઈને કર્મચારીઓને તાત્કાલિક ભથ્થુ ચુકવવા ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.