
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે યુપી સરકાર જાહેર મુદ્દાઓ ટાળવા માંગે છે, તેથી તે મહત્વપૂર્ણ મુદ્દાઓને બદલે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે, જોકે લોક્સભામાં પહેલાથી જ તેની ચર્ચા થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે ભાજપની વિચારધારા ધરાવતા લોકોએ સ્વતંત્રતા પહેલા કે પછી ક્યારેય વંદે માતરમ ગાયું નથી અને હવે મહત્વપૂર્ણ મુદ્દાઓને ટાળવા માટે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે. અખિલેશ યાદવ ગુરુવારે સપા મુખ્યાલયમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે લખનૌમાં પ્રદૂષણને કારણે ભારત-દક્ષિણ આફ્રિકા મેચ રદ કરવામાં આવી હતી, અને સરકારી અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઠીક હતો. તેમણે પૂછ્યું કે આ લોકોને એકયુઆઇ ક્યાંથી મળ્યો? સરકારી અધિકારીઓ સ્વતંત્ર એજન્સીના એકયુઆઇ ડેટા પર વિશ્ર્વાસ ન કરવાનું કહી રહ્યા છે. તેઓ પ્રદૂષણ પર કોઈ ચર્ચા અટકાવવા માટે આ કહી રહ્યા છે.
તેમણે કહ્યું કે ભાજપે સૌથી વધુ વૃક્ષો કાપ્યા છે. છત્તીસગઢમાં આખા જંગલોનો નાશ થયો હતો. હવે તેઓ અરવલ્લી ટેકરીઓનો નાશ કરવા માંગે છે. સોનભદ્રમાં ખાણકામને કારણે ૫૦૦ ફૂટ ઊંડા ખાડા પડ્યા. આ લોકો મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા નથી.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક યુવતીનો હિજાબ ઉતારવા પર પ્રતિક્રિયા આપતા અખિલેશ યાદવે કહ્યું કે તેમની ઉંમરે તેમને મદદગારની જરૂર છે. કોઈપણ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. આવી ઘટના કોઈની સાથે ન બનવી જોઈએ. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ ચૂંટણી પંચની મદદથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરી રહી છે. આનો ઉપયોગ કરીને સરકાર વિપક્ષના મતોમાં કાપ મૂકવા માંગે છે.