સંતરામપુર તાલુકાના ખેરવા સહિત ગ્રામ્યમાં અચાનક આવેલ ભારે પવન સાથેના વરસાદે ખેડુતોના મોં સુધી આવેલ કોળિયો ઝુંટવી લીધો છે. ખેતરોમાં લહેરાતો લીલોછમ ડાંગરના તૈયાર પાક પવનના જોરદાર ઝાપટામાં સંપુર્ણપણે આડો પડી જતાં ખેતરો ધાસના મેદાનમાં ફેરવાઈ ગયા છે.
ખેરવા ગામના ખેડુત નાનજીભાઈ ભગોરા જેવા અનેક ખેડુતોએ સતત ત્રણ મહિના સુધી કુવાનુ પાણી પીવડાવી ખાતર અને બીજનો ભારે ખર્ચ કરીને મહેનતથી પાક તૈયાર કર્યો હતો. ડાંગરમાં ડુંડીઓ ભરાઈ રહી હતી અને સારી ઉપજની પુરતી આશા હતી. પરંતુ કટોકટીના સમયે જ કુદરતી આફતે ગણતરીની મિનીટોમાં ત્રણ મહિનાની આકરી મહેનત પર પાણી ફેરવી દીધુ છે. પાકની ડુંડીઓ જમીનદોસ્ત થઈ જવાથી હવે કાપણી કરવી ખુબ મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે બગાડ વધવાની અને પાક સડી જવાની ગંભીર ભિતી સેવાઈ રહી છે. આ વાવાઝોડાએ માત્ર ખેતરોનો પાક જ નથી પાડ્યો પરંતુ ખેડુત પરિવારના આર્થિક બજેટને પણ સંપુર્ણપણે ખોરવી નાંખ્યુ છે. હાલની સ્થિતિએ ખેડુતો ભારે આર્થિક અને માનસિક તણાવમાં મુકાયા છે. સંતરામપુર તાલુકાના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી નુકસાનીનો સર્વે કરવામાં આવે અને નિયમ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.