
સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે મુખ્ય રસ્તાની બંન્ને બાજુ પેવર બ્લોક ન હોવાને કારણે ગ્રામજનોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની બંન્ને બાજુ ઘરોનાં લાઈનો આવેલી હોવાથી વરસાદી દિવસોમાં કાદવ, ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેનાથી આરોગ્યને પણ ખતરો ઊભો થાય છે.
ગ્રામજનોનું કહેવું છે કેલ જો ઘર આંગણે રસ્તાની બંન્ને બાજુ પેવર બ્લોક નખવામાં આવે તો ગંદકી ફેલાતી અટકી શકે તેમજ ગામનું સ્વચ્છતા અને દેખાવ બંને સુધરી શકે. પરંતુ લાંબા સમયથી માંગ હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ અંગે સ્થાનિક રહીશ તરબદા અમૃતભાઈએ જણાવ્યું હતું કે, અમારા સુંદરપુરા ગામે રસ્તાની બંન્ને બાજુ પેવર બ્લોક નાખવાની તાત્કાલિક જરૂરિયાત છે. પેવર બ્લોક ન હોવાના કારણે લોકોને રોજ હાલાકી ભોગવવી પડે છે.પેવર બ્લોક નખાય તો ગામ રળિયામણું લાગે.”
ગ્રામજનો દ્વારા પંચાયત તથા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે તાત્કાલિક વિકાસકાર્ય હાથ ધરવાની માગ ઉઠી છે. ગ્રામજનોની અપેક્ષા છે કે વહેલી તકે પેવર બ્લોકનું કામ શરૂ કરી સુંદરપુરા ગામને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવામાં આવે.