ગેરકાયદેસર વ્યાજ ઘીરઘાર કરનાર યુવક ઉપર વધુ વ્યાજ અને છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ સુજાઈબાગ વિસ્તારમાં રહેતા ફોજેફા નૂરૂદ્દીન કાપડિયાએ પોતાના વિસ્તારમાં રહેતા કુતબુદ્દીન ઇનાયતઅલી ગરબાડાવાલાને વર્ષ 2011ની સાલમાં વ્યાજે પૈસા આપ્યા હતા. વ્યાજે પૈસા આપનાર હોજેફા કાપડિયા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો હતો, તેની પાસે કોઈ લાયસન્સ પણ ન હતું. ત્યારબાદ અવારનવાર આ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર હોજેફા કાપડિયા દ્વારા કુતબુદ્દીન ગરબાડાવાલા તથા તેમના પરિવારજનોને અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો.

તે દરમિયાન હોજેફા કાપડિયાએ કુતબુદ્દીન ગરબાડાવાલાને ગેરકાયદેસર વ્યાજના ધંધા હેઠળ નાણા આપવાના બહાને વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. તેઓની મિલકત અંગે બેનામી તથા વેચાણ દસ્તાવેજ કરી મિલકતના ખોટા ફોટા બતાવી, ખોટી રજૂઆતો કરી સરકારી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પણ કરી હતી. જેમાં વ્યાજના દબાણથી કુતબુદ્દીન ગરબાડાવાલાની દુકાનો અને મકાન હડપ કરવાનો પ્રયાસ કરી કરોડોની મિલકત ખૂબ ઓછી કિંમતમાં દર્શાવી હતી. આ ઉપરાંત બાનાખત કરી બાનાખત મુજબ અવેજ ચૂકવ્યો હોવા છતાં હોજેફા કાપડિયાએ પાકો વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી કુતુબુદ્દીન ગરબાડાવાલા તથા તેમના પરિવારને સતત ટોર્ચર કરી અને મારી નાખવાની ધમકી આપી સરકાર અને સબ રજીસ્ટર સાથે વિશ્ર્વાસઘાત, ઠગાઈ કરી ખોટા દસ્તાવેજને સાચા તરીકે ઉપયોગ કરતા આ સંબંધે કુતબુદ્દીન ઇનાયતઅલી ગરબાડાવાલાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.