
રાજસ્થાન-ગુજરાત છાપરી બોર્ડર ઉપર પોલીસે ૨૦ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સની અટકાયત કરી છે. ઉત્તર પ્રદેશથી પાલનપુર ડિલિવરી કરવા આવેલા શખ્સ છાપરી ચેકપોસ્ટ ઉપર ઝડપાયા હતા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાન-ગુજરાત બોર્ડર ઉપર અંબાજી નજીક આવેલી છાપરી ચેક પોઇન્ટ ઉપર રિકો પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોની કિંમતનું ચરસ ઝડપી લીધુ હતું. લક્ઝરી કારમાંથી ૨૦.૪૦ કિલોગ્રામ ચરસ ઝડપાયું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો માનવામાં આવી રહી છે. આબુ રોડ રિકો પોલીસ વાહન ચેકિંગ કરતી હતી આ દરમિયાન વાહનમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ઉત્તર પ્રદેશના કાનપુરથી કરોડોની કિંમતનું આ ચરસ લાવવામાં આવ્યું હતું જે બનાસકાંઠાના પાલનપુરમાં ડિલિવરી કરવાનું હતું. ત્રણેય શખ્સો પાલનપુરમાં ચરસની ડિલિવરી કરવા આવતા હતા પરંતુ પોલીસની સતર્કતાથી નશીલો પદાર્થ ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરી જપ્ત કરી લીધું છે. પોલીસે ત્રણેય શખ્સની પૂછપરછ હાથ ધરી આ ચરસ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યું અને પાલનપુરમાં કોને ડિલિવરી કરવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી અંગે સિરોહીના પોલીસ વડા પુષ્પેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, માદક પદાર્થ સામે ચાલતા અભિયાન હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આબુ રોડ રિકો પોલીસ સ્ટેશન વિસ્તારના છાપરી ચેક પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ત્રણ શખ્સો ૨૦.૪૦ કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા છે. પોલીસે ગુનો નોંધ્યો છે. પકડાયેલા ત્રણેય શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે અને તેમનું અહીંયા ક્યા નેટવર્ક છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ આરંભી છે.
છાપરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ઉત્તર પ્રદેશની એક કાર યુપી ૭૯ તપાસ કરવામાં આવતા કારમાં સવાર ત્રણ ઇસમોની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી અને તપાસ કરતા કારમાં ગુપ્ત ખાનામાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો જે ચરસ હોવાનું જાણવા મળ્યું હતું.