મોડાસાના દાવલી પાસેથી રૂ ૭૦.૨૨ લાખનો દારૂ ભરેલી મિનીટ્રક ઝડપાઈ

અરવલ્લી એલસીબીએ મોડાસા તાલુકાના દાવલી ગામની સીમમાં શામળાજીથી હિંમતનગર તરફ જતા હાઈવે પરથી રૂ.૭૦.૨૨ લાખનો દારૂ ભરેલી આઈશર સાથે ચાલકને ઝડપી લીધો હતો.

એલસીબીની ટીમ મોડાસા રૂરલ વિસ્તારના દાવલી ગામની સીમમાં વાહનોનું ચેકિંગ કરતા હતા તે સમયે આઇસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો રતનપુર, શામળાજી, વાટડા ટોલનાકા, દાવલી થઈને હિંમતનગર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી વોચ ગોઠવીને બાતમીવાળી આઇસર ટ્રક આવતાં ઈશારો કરતાં ડ્રાઇવરે ગાડી થોડી આગળ ઉભી રાખી નાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ડ્રાઇવર વિજયસિહ દોલતસિંહ મોટસિંહ રાવત (રહે. સમિતિ, તલથાણા, દેવગઢ, રાજસમંદ, રાજસ્થાન)ને પકડી લઈ પૂછતાં તેણે ટ્રકમાં સિલાઈ મશીનનાં બોક્સ ભર્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં સફેદ અને ખાખી કલરનાં બોક્સની આડમાં છૂપાવેલો ૫૮૫ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૭૦.૨૨ લાખનો દારૂનો જથ્થો, આઈશર ટ્રક સહિત રૂ. ૯૨.૩૨ લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.