પીપલોદ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ મામલે કાર્યવાહી, DDO કડક સૂચનાથી છૂટા કરવાનો આદેશ

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં ક્લાર્ક તરીકે કોઈ મહેકમી જગ્યા મંજૂર ન હોવા છતાં, છેલ્લા ઘણા વર્ષોથી પટાવાળા તરીકે કામ કરતાં વ્યક્તિએ પ્રમોશનના આધારે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કનકભાઈ પ્રતાપભાઈ પટેલ સામે અંદાજીત ૨૩ લાખ ‚પિયાના ભ્રષ્ટાચાર અંગેનો વાયરલ ઓડિયો રેકોર્ડિંગ સહિતની બાબતો જાગૃત નાગરિકોએ જીલ્લા કક્ષાએ તથા લાંચ‚શ્ર્વત નિવારણ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.

આ સંદર્ભે પીપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમલેશભાઈ વડલીયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારીએ તેમને કચેરી ખાતે બોલાવી સ્પષ્ટ સૂચના આપી હતી કે, ગ્રામ પંચાયતમાં ક્લાર્ક કે પટાવાળા જેવી કોઈપણ મહેકમી જગ્યા મંજૂર નથી અને આવી કોઈ હંગામી કે કાયમી ભરતી કરવાની સત્તા પણ નથી. તેથી આટલા વર્ષોથી આવી રીતે ફરજ બજાવતા વ્યક્તિને તરત જ છૂટા કરવા તથા પંચાયતના કોઈપણ કામકાજ માટે બોલાવવાના નથી તે અંગે જીલ્લા વિકાસ અધિકારીનો સ્પષ્ટ આદેશ હોવાનું જણાવાયું હતું.

આદેશના અનુસંધાને સંબંધિત વ્યક્તિને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે પંચાયતી આલમમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે, પીપલોદના રહેવાસી રમેશભાઈ ઉર્ફે ડાભીએ આ બાબતે અરજી કરી હતી. તેમની રજૂઆતને આધારે કાર્યવાહી થતા તેઓએ તંત્ર પ્રત્યે વિશ્ર્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું વ્યક્ત કર્યું હતું.