પર્યાવરણ સુરક્ષા તરફ એએમસીની પહેલ: અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીનાં કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોળીકા દહનથી થતાં કાર્બન ડાયોક્સાઇડનાં પ્રમાણને ઘટાડવા માટે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ/કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલી વૈદિક હોળીની આ પહેલ દ્વારા નાગરિકો હોળીની વૈદિક પદ્ધતિથી ઉજવણી કરીને વાતાવરણને શુદ્ધ રાખી શકે છે. આ શુભ આશયની શરૂઆત વર્ષ ૨૦૨૪માં કરવામાં આવી હતી ત્યારબાદ તેને ૨૦૨૫માં પણ સતત ચાલુ રાખવામાં આવી હતી. જે અન્વયે શહેરનાં વિવિધ ઝોનમાં અનુક્રમે ૧૧ અને ૪૨ જેટલા સ્થળો પર હોળીનાં પર્વને વૈદિક રીતે ઉજવવામાં આવ્યો હતો.

આ ચાલુ વર્ષ ૨૦૨૬માં વૈદિક હોળીની ઉજવણી શહેરનાં સાત ઝોનમાં અંદાજે ૧૦૧ જેટલાં વિવિધ સ્થળો પર ઉજવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના સાતેય ઝોનમાં ઝોનદીઠ સ્વચ્છતામાં બેસ્ટ સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત કરેલ આદર્શ સોસાયટી તથા ઝોનના બે મોટા ધાર્મિક/મોટા સંસ્થાનો/સ્થળો પર વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવશે. સી.એન.સી.ડી. વિભાગના કૃપા મંદિર દ્વારા ગાયના છાણમાંથી બનેલા છાણા તથા સ્ટીકના બોક્સ તૈયાર કરી રૂ.૨૫૦૦/- ના ટોકનને ગૌ-સેવા ઓનલાઈન દાનની રસીદ સાથે સંબંધિત સોસાયટી/ચાલી/સ્થળના જવાબદાર વ્યÂક્તની જરૂરી વિગતો મેળવી હોળી પર્વ પહેલા અંદાજે એક-બે દિવસ પૂર્વે ડિલિવરી કરવામાં આવશે.

છેલ્લાં એક વર્ષ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંચાલિત ૨૧ જેટલા સ્મશાનમાં ગાયના છાણમાંથી બનેલી કુલ ૪૮૦૦ કિ.ગ્રા જેટલી સ્ટીક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ ૮૫૦૦ નંગ જેટલા છાણા (ટીકી) નાગરવેલ હનુમાન મંદિર, જગન્નાથ મંદિર, ગાયત્રી મંદિર અને સોમનાથ મંદિર જેવી પ્રસિદ્ધ ધાર્મિક સંસ્થાઓમાં હવન-યજ્ઞ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વૈદિક હોળી ઉજવણી દરમ્યાન પર્યાવરણનું જતન થાય તે હેતુસર વિવિધ સોસાયટીઓ અને શાળાઓના રહીશો સાથે સંવાદ તેમજ આઇ.ઇ.સીની કામગીરી સી.એન.સી.ડી. વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે.

માર્ચ-૨૦૨૪માં ૧૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવાઈ હતી. જેમાં દક્ષિણ ઝોનનાં ઈસનપુર વોર્ડ, જલધારા સોસાયટી; પશ્ચિમ ઝોનનાં નવરંગપુરા વોર્ડ, પ્રમુખ પાર્ક સોસાયટી; મધ્ય ઝોનનાં જામલપુર વોર્ડ, જગન્નાથ મંદિર પરિસર; ઉત્તર ઝોનનાં નરોડા વોર્ડ, પોલિન પાર્ક વિભાગ-૧; અને ઉત્તર-પશ્ચિમ ઝોનનાં સાયન્સ સિટી રોડ, પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં વૈદિક હોળીની ઉજવણી કરાઇ હતી.