
કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ NDRF-SDRF અને વહીવટી ટીમો દ્વારા ભારે વરસાદના કારણે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ
કડા ડેમ, સૂકી નદી અને વણકબોરી ડેમ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સંયુક્ત આકારણી અને ફ્લડ મોનિટરિંગ હાથ ધરાયું
જાંબુઘોડા, ગોધરા અને શહેરા તાલુકાના ભારે વરસાદના કારણે અસર થનાર સંભવિત ગામોમાં પરિસ્થિતિ પર સતત નજર

હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ની આગાહી આપવામાં આવી છે, જેના પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અગમચેતીના ભાગરૂપે એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે NDRF, SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત રીતે અસરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા જાંબુઘોડા તાલુકામાં મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી (TDO) દ્વારા SDRF ની ટીમ સાથે સંયુક્ત રીતે કડા ડેમ તેમજ સૂકી નદીના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની આકારણી કરવામાં આવી હતી.તે જ રીતે ગોધરામાં શહેરી વિસ્તારમાં પણ NDRF અને ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત શહેરા તાલુકામાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને NDRF ની ટીમ દ્વારા વણકબોરી ડેમ અને તેનાથી અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોનું વિસ્તૃત સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં નાથુજી ના મુવાડા, વાડી, વલ્લભપુર, સાદરા, ખરોલી, બિલીથા, ભીમથળ, બોરડી, વાહકા અને પોયડા જેવા ગામોનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના નિર્દેશાનુસાર, તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નદી-નાળા કે ડેમ નજીકના વિસ્તારોમાં ન જવાની અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.