ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦ : ગુજરાતમાં ૨,૨૮૯ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ૬૩૮ આરોપીઓ ઝડપાયા

ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ફ્રોડ નેટવર્ક પર્દાફાશ થયો છે. આ ઓપરેશન દરમિયાન કુલ ૨,૨૮૯ કરોડના સાયબર ફ્રોડના કેસો સામે આવ્યા છે અને ૯૧૩ જેટલા શંકાસ્પદ મ્યૂલ એકાઉન્ટ્‌સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કુલ ૬૩૮ આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા અથવા મની લોન્ડરિંગ કરવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે તેને ‘મ્યૂલ એકાઉન્ટ’ કહેવાય છે. આવા ખાતા ચલાવનાર વ્યક્તિને ‘મની મ્યૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત સામાન્ય લોકો અજાણતા પોતાનું ખાતું ઉપયોગ માટે આપી દેતા હોય છે, જે બાદ તે ખાતાનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે થતો હોય છે.

વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાત પોલીસ, સાયબર સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ કમિશનર કચેરીઓએ સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવ્યું હતું. આ માટે ઇન્ડીયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ૪સી), એનસીઆરપી પોર્ટલ, સમન્વય પોર્ટલ અને ૧૯૩૦ હેલ્પલાઈનના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગ કરીને શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખવામાં આવી હતી.

ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦ દરમિયાન ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કુલ ૫૬૫ એફઆઇઆર નોંધવામાં આવી હતી અને ૬૩૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ ૯૧૩ શંકાસ્પદ મ્યૂલ એકાઉન્ટ્‌સ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન કુલ ૪,૦૫૨ સાયબર ગુનાઓ ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી ૪૯૧ ગુનાઓ ગુજરાત સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં અંદાજે ૨,૨૮૯ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે.

પોલીસની કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર બેંકિંગ વ્યવહારોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચેક દ્વારા થતા નાણાકીય ઉપાડમાં ૭૫ ટકા ઘટાડો થયો છે, જ્યારે માસિક ચેક ઉપાડની રકમ ૧૨૬ કરોડથી ઘટીને માત્ર ૨૫ કરોડ રહી ગઈ છે. ઉપરાંત એટીએમ દ્વારા થતા ઉપાડમાં ૬૬ ટકા ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન પ્રથમ લેયરના મ્યૂલ એકાઉન્ટ્‌સની સંખ્યામાં પણ ૩૦ ટકા ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસના મતે આ ઓપરેશન બાદ સાયબર ગુનેગારો માટે ગેરકાયદેસર નાણાં હેરફેર કરવી હવે વધુ મુશ્કેલ બની ગઈ છે.

સાયબર ફ્રોડ સામે વધુ કડક પગલાં લેવા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા એઆઇ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકશે.‘ઇન્ડીયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન’ દ્વારા દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનન લો રિસ્કસ.મિડિયમ રિસ્કસ અને હાઇ રિસ્કસ કેટેગરીમાં વહેંચવામાં આવશે.આ ટેક્નોલોજી દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ઝડપથી ઓળખી બેંકો તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.

સાયબર ગુનાઓ સામે લડવા માટે મુલહંટરડોટ એઆઇ નામની સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ દ્વારા દેશભરની બેંકો વચ્ચે શંકાસ્પદ ખાતાઓની માહિતી ઝડપથી શેર કરી શકાશે.આ પહેલને સાયબર ક્રાઈમ સામેની સૌથી મોટી ટેક્નોલોજીકલ કાર્યવાહી માનવામાં આવી રહી છે.